લવ ટ્રાઇએંગલની અનોખી ઘટના, પતિ-પ્રેમીનું મોત અને પત્ની જેલમાં !

બાજી ઉલટી પડી અને જાણો શું થયું

લવ ટ્રાઇએંગલની અનોખી ઘટના, પતિ-પ્રેમીનું મોત અને પત્ની જેલમાં !
પતિ, પત્ની અને પ્રેમી...

Mysamachar.in-સુરતઃ

પતિ પત્ની અને વોની તો તમે અનેક ઘટના સાંભળી કે જોઇ હશે પરંતુ એક એવી ઘટના બની જેમાં એક વ્યક્તિ પત્ની માટે તો એક પ્રેમિકા માટે પાગલ હતો, જો કે બંને વચ્ચે લડાઇ થતા બંનેનું મોત નીપજ્યું જ્યારે પત્નીને જેલમાં જવાનો વારો આવ્યો છે. ઘટના સુરતની છે જ્યાં પત્નીએ પ્રેમમાં આડખીલીરૂપ પતિનો કાંટા કાઢવા પ્રેમી સાથે મળી કાવતરુ ઘડ્યું, પરંતુ બાજી ઉલટી પડી ગઇ અને પત્નીને ન તો પ્રેમ મળ્યો ન તો પતિ. એટલું જ નહીં પતિને મારી નાખવાના ષડયંત્રના ગુનામાં જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો.

બનાવની વિગત પ્રમાણે સુરતના રાંદેર રોડ પર આવેલા ખાડા કુવા પાસે રહેતાં કમલ પટેલના લગ્ન ખુશ્બુ સાથે થતા હતા, જો કે લગ્નસંબંધમાં ત્રીજી વ્યક્તિ પ્રવેશતા સંસારમાં અડચણો આવવા લાગી, ખુશ્બુને તુષાર નામના યુવાન સાથે પ્રેમ થઇ ગયો. બંને પ્રેમમાં એટલા ગળાડૂબ થઇ ગયા કે બંનેએ સાથે મળીને પતિ કમલનું કાસળ કાઢી નાખવાનો ખતરનાક પ્લાન ઘડ્યો, અગાઉ તૈયાર કરેલા ષડયંત્ર પ્રમાણે ખુશ્બુ તેના પતિ કમલ સાથે બાઇક પર ઓલપાડના સેગવા ગામે જવા નીકળી. આ વાતની જાણ ખુશ્બુએ તેના પ્રેમીને કરી. તુષાર તમામ તૈયારી સાથે કોસમગામની સીમ પાસે પહોંચી ગયો. જેવા ખુશ્બુ અને કમલ ત્યાંથી પસાર થયા કે તેણે બાઇક રોકી ઝઘડો શરૂ કરી દીધો. બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો અને છૂટ્ટાહાથની મારામારી શરૂ થઇ. જોત જોતામાં બંને નજીક આવેલા તળાવમાં પડી ગયા. તળાવમાં પડતાંની સાથે જ તુષાર અને કમલનું ડૂબી જવાથી મોત થઇ ગયું.

સમગ્ર મામલે કમલના પિતા યોગેશે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી, પોલીસે તપાસ કરતાં બહાર આવ્યું કે તળાવકાંઠેથી કમલનું બાઇક અને તુષારનું બેગ મળી આવ્યું હતું. બાદમાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં ખુશ્બુનું નામ ખુલ્યું. બાદમાં પોલીસે ખુશ્બુની અટકાયત કરી પુછપરછ કરી તો ખુશ્બુએ સંપૂર્ણ હકિકત પોલીસને જણાવી દીધી. જેમાં તેણીએ સ્વીકાર્યું કે તેનો પતિ કમલ તેના પ્રેમમાં આડો આવતો હતો. આથી તેણે પ્રેમી તુષાર સાથે મળી તેની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું.