અહીં પતિએ પત્નીની યાદમાં બંધાવ્યું છે મંદિર, રોજ કરે છે પૂજા

આ મંદિરમાં પતિએ પત્નીની મૂર્તિ પણ બેસાડી છે

અહીં પતિએ પત્નીની યાદમાં બંધાવ્યું છે મંદિર, રોજ કરે છે પૂજા

Mysamachar.in-સુરેન્દ્રનગરઃ

ગુજરાતીમાં એક જોક્સ ખુબ જ જાણીતો છે, જેમાં પત્ની પોતાના પતિને પુછે છે કે શાહજહાંએ મુમતાઝ માટે તાજમહેલ બંધાવ્યો હતો. તુ મારા મર્યા પછી શું બંધાવીશ, તો જવાબમાં પતિ કહે છે કે ટીફીન, આજે વેલેન્ટાઇન ડે હોવાથી હજારો યુવક-યુવતીઓ પોતાના પ્રેમમાં ઇઝહાર કરશે, અનેક લોકો પાર્ટનરને ખુશ કરવા વાયદાઓ કરશે પરંતુ હકીકતમાં પ્રેમને કોઇ નિશાનીની જરૂર હોતી નથી. ખેર આતો થઇ હસી મજાકની વાત પરંતુ હકીકતમાં ગુજરાતમાં એક સ્થળ એવું છે જ્યાં એક પતિએ પત્નીનું મૃત્યુ થતા તેનું મંદિર બનાવ્યું છે. જાણીને નવાઇ લાગશે પરંતુ આ મંદિરમાં પતિએ પત્નીની મૂર્તિ પણ બેસાડી છે, જેમાં તે રોજ પૂજા કરે છે. 

આ મંદિર વઢવાણના ખોડુ ગામના લાલારામભાઈએ બનાવ્યું છે. ગામમાં દાતણ વેચી પરિવારનું ગુજરાત ચલાવતા દેવીપૂજક લાલારામ ભોજવિયા કમાણી માટે પત્ની લલિતાબહેન સાથે દિલ્હી પહોંચ્યા. અહીંયાં તેમનું નસીબ જોર કરી ગયું અને એન્ટિક વસ્તુના વેપારમાં કાંઠું કાઢ્યું. જાણે કુદરતને આ દંપતીનું સફળ દાંપત્યજીવન પસંદ ના હોય એમ 51માં વર્ષે લલિતાબેન બીમારીમાં સપડાયા અને ટૂંકી માંદગી બાદ તેમનું અવસાન થયું. પત્નીના કાયમી સંભારણા માટે કાંઈક કરવાની લાલારામભાઈને ઇચ્છા થઈ અને દુધરેજના નગરાગામ વચ્ચે 4 એકર જમીન ખરીદી હતી. જેના પર 15 વર્ષ પૂર્વે રૂપિયા 2 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવી તેમાં પત્નીની યાદમાં મંદિર બનાવ્યું અને તેમાં લલિતાબહેનની મૂર્તિ સ્વરૂપ પ્રતિમાની સ્થાપના કરી. આ મૂર્તિની પૂજા-અર્ચના કરીને લાલારામભાઈએ જાણે સાચા અર્થમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી સાર્થક કરી રહ્યા છે.