'ભીખ નહીં પણ હક લેવા આવીએ છીએ', વિદ્યાર્થીઓ ગાંધીનગર ઉમટ્યા

વિદ્યાર્થીઓની આરપારની લડાઇ

'ભીખ નહીં પણ હક લેવા આવીએ છીએ', વિદ્યાર્થીઓ ગાંધીનગર ઉમટ્યા

Mysamachar.in-ગાંધીનગરઃ

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થયાનું ખુદ સરકારે સ્વીકારતા વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ ભભૂક્યો છે, પરીક્ષામાં થતી ગેરરીતિથી કંટાળી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગર કૂચ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવા પહોચવાના મેસેજ વાયુવેગે વાયરલ થઇ રહ્યાં છે. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખી પોલીસનો ચૂસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજમાં 4 ડિસેમ્બર મહારેલી-મહાસંગ્રામ, ભીખ નહીં પણ હક લેવા આવીએ છીએ જેવું લખાણ લખવામાં આવ્યું છે. તો કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા 100થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે, સાથે જ ગાંધીનગરમાં ઠેર ઠેર રસ્તાઓ પર બેરિકેડ્સ ગોઠવી કર્મયોગી ભવનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યમાં સરકારી ભરતીમાં ગેરરીતિ થયાની આ પ્રથમ ઘટના નથી, અવાર નવાર છબરડાથી ઉમેદવારોની ધીરજ ખૂટી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. બિન સચિવાલય ક્લાર્ક મુદ્દે ગેરરીતિ થયાનો સ્વીકાર ખુદ ગૌણ સેવા પસંદગી મંડળે કર્યો છે, આ મામલે તપાસ કરવામાં આવશે તેવા વચનો આપવામાં આવ્યા છે, પરંતુ વર્ષોથી મહેનત કરતાં વિદ્યાર્થીઓ સરકારની કામગીરીથી નાખુશ હોવાથી આ વખતે વિદ્યાર્થીઓ આરપારની લડાઇના મૂડમાં દેખાઇ રહ્યાં છે.