જામનગર શહેરનો વિસ્તાર ૧૨૮.૪૦ કી.મીનો પણ ફાયર સેફ્ટીનો સર્વે.કેટલો?

શું કહે છે નવો GDCR..

જામનગર શહેરનો વિસ્તાર ૧૨૮.૪૦ કી.મીનો પણ ફાયર સેફ્ટીનો સર્વે.કેટલો?
Symbolic image

Mysamachar.in-જામનગર:

રાજ્યના સુરતમાં બનેલી આગની ઘટના બાદ અત્યારે તો ચારેકોર ફાયરસેફ્ટીનું ચેકિંગ અને ફાયર સેફટીની સાધનોની બોલબાલા છે,પણ આશ્ચર્યની વાત એ છે કે અત્યારે જામનગર શહેરમા ભલે ચેકિંગ ચાલે પણ ફાયર સેફટીને નામે લોલમલોલ છે,છેલ્લા છ વર્ષના નવા 240 બાંધકામ જેમાં સાદી નહી ફુલપ્રુફ ફાયર સીસ્ટમ ફીટ કરવાની જરૂર છે તેમાંથી 70 ટકા જેવા સર્વેક્ષણ ફાયર વિભાગે કરવાના બાકી છે,જેની પાછળ કદાચ સ્ટાફનો અભાવ પણ જવાબદાર માનવામાં આવે છે,દરેક હાઇરાઇઝ, લોરાઇઝ, કોમર્શીયલ, ઇન્ડસ્ટ્રીયલ સહિત તમામ પ્રકારના બાંધકામોમાં ફાયર સેફટીની સીસ્ટમ ફીટ કરવી ફરજીયાત છે.

તાજેતરમાં કારખાનાઓના આગના બનાવ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષના, બહુમાળી ઇમારતોના આગના બનાવો લાલબતી સમાન છે.(જોકેઅમુક મહીનામાં લાગતી આગને અમુક લોકો ‘શંકા’ની નજરે જુએ છે, ખરેખર તો આ અકસ્માત છે અને અકસ્માત તો ગમે ત્યારે થઇ શકે છે પરંતુ ના, કારખાના-ગોડાઉન-દુકાનોની આગના અસંખ્ય બનાવોમાંથી ‘અમુક’ બનાવોને સુયોજીત કાવતરૂ કોણ જાણે કેમ લોકો ગણે છે?) આવા આગના બનાવોથી માલ-મીલકતનું તો નુકસાન થાય છે. કયારેક જાન-માલનું નુકસાન પણ થાય છે ત્યારે હોટલો, રેસ્ટોરન્ટો, ટોકીઝો, શોપીંગ મોલ, શાળાઓ, કોલેજો, શોરૂમ, જાહેર સ્થળો જેમકે હોલ-પાર્ટી પ્લોટ જાહેર વાડીઓ વગેરેમાં ફાયર સેફટીના ઓડીટ પણ ફરજીયાત છે.


આ તમામ બાબતે ગંભીરતા લઇ એક તો લોકોને આ બાબતે અવગત કરાવવા, જાણકારી આપ્યા બાદ સીસ્ટમ ન વસાવે તો નોટીસ આપવી અને નોટીસ બાદ પણ સળવળે નહી તો પગલા લેવાની જવાબદારી જેમની છે તે જામ્યુકોનું ફાયર વિભાગ આ વખતે ગંભીરતા દાખવતુ નથી. ફાયર સેફટી અંગે સર્વેક્ષણ, નોટીસ, રીન્યુઅલ વગેરે અંગે ઓડીટ વિભાગે વારંવાર કાન આમળેલો હોવાનું પણ સુત્રો જણાવે છે.
 

જ્યાં આગ લાગે છે ત્યાંની સીસ્ટમથી આગ બુઝયાનો દાખલો છે ખરા..?

જ્યારે જ્યારે કોઇ પણ ઇમારતોમાં, દુકાનોમાં, કારખાનાઓમાં, ગોડાઉનોમાં વગેરે સ્થળોએ આગ લાગે છે ત્યારે ત્યાંની કોઇ ફાયર સેફટી સીસ્ટમથી આગ કાબુમાં આવી ગયાનો એક પણ દાખલો જામનગરમાં બન્યો નથી. ફાયર શાખા તો તાબડતોબ આગના સ્થળે પહોંચી પગલા લે તે તો ફરજનો ભાગ છે પરંતુ જરૂર છે ત્યાં તપાસ કરી શા માટે ફાયર સેફટી સીસ્ટમ ફરજીયાત ઇન્સ્ટોલ કરાવી તેના વખતો વખત ચેક કરી હંમેશા અકસ્માત સામે લડવા સક્ષમ બનાવવાની જહેમત ફાયર શાખા શા માટે ઉઠાવતુ નથી?

શોર્ટ સર્કિટથી આગનું મોટાભાગે ફિક્સ કારણ..!

આગના જેટલા બનાવ બને છે તેમાંથી 75%માં શોર્ટસર્કિટથી આગ લાગવાના કારણો જ બહાર આવે છે,ખરેખર જ્યારે કોઇપણ રેસી-કોમર્શીયલ-ઇન્ડ.નું ઇલેકટ્રીક ફીટીગ્સ થાય તયારે કોન્ટ્રાકટર દ્વારા સર્ટીફીકેટ અપાય કે આ ફીટીંગ્સ વીજ પ્રવાહ કનેકશન આપવા સક્ષમ છે ત્યારબાદ જ વીજ વિભાગ વીજ કનેકશન આપે છે ખરેખર ઇલેકટ્રીક ફીટીંગ્સમાં વચ્ચે વચ્ચે પીઆઇબી સ્વીચ મુકવાની હોય છે,કેબલો સારી ગુણવતાના વાપરવાના હોય છે, શોકગાર્ડ અને વોલ્ટેજ સેન્સર લગાવવાના હોય છે, વપરાશ ન હોય ત્યારે મેઇન સ્વીચ બંધ કરવાની હોય છે,હવે સર્ટીફીકેટ કેમ અપાય છે, ઇન્સ્પેકશન કેમ થાય છે? વગેરે બાબતો તો તપાસનો વિષય છે માટે જ શોર્ટસર્કિટ થી વધુ આગ લાગે છે.
 

૨૦૧૩ ફાયર એન્ડ સેફ્ટી એકટ કહે છે કે...

ફાયર એન્ડ સેફટી એક્ટ ૨૦૧૩ મુજબ હાઇ રાઇઝ કે લો રાઇઝ જ માત્ર નહી દરેક સ્થળ કે જ્યા આગ કે તેવી દુર્ઘટના થવી સંભવ છે,ત્યા ફાયર સેફટી સુવિધા અને તકેદારી ફરજીયાત છે,તેમ જણાવી જિલ્લાના રેસ્ક્યુ વિભાગ સાથે જોડાયેલા ઉચ્ચ અધીકારીએ ઉમેર્યુ છે કે જિલ્લા કલેક્ટરની સુચના છે કે જ્યા આવી દુર્ઘટનાની સંભાવના છે તે દરેક સ્થળે માનવ જીંદગી ને મહત્વ આપી સુવિધાની ફરજ પાડો,જોગવાઇઓ કરતાય જીવન અમુલ્ય છે,વળી હવે તો નવા જીડીસીઆરમા લો રાઇઝમા પણ આ સુવિધા ફરજીયાત છે,

દરેક કારખાનામા ફરજીયાત છે, હોટલ, રેસ્ટોરન્ટ,હોસ્પીટલ, શાળાઓ વગેરે જ્યા કાં તો જ્વલનશીલ કંઇ ઉપયોગમા લેવાતુ હોય જેમકે ગેસ સીલીન્ડર,ઇલેક્ટ્રીક સગડી, કે કોઇપણ પ્રકારના ચુલા, ભઠ્ઠી,મોટા ઇલેક્ટ્રીક ગ્રાઇન્ડર વગેરે સ્થળે એક તો બચાવ તાલીમ બીજુ આગ વગેરે શામક મશીનરીઝ કે વ્યવસ્થા ફરજીયાત છે જામનગરમા સ્થિતિએ છે કે પહેલા ૨૫ ચો.કી.મી.બાદમા અને ૨૦૧૩મા ૧૨૮.૪૦ ચો.કીમી નો વિસ્તાર થયો તો દરેક જગ્યાની સલામતી અંગે વિચારીએ તો ખુબ મોટો વિસ્તાર સર્વે કરવાનો બાકી રહી ગયો છે તેમ સ્વીકારી ઉચ્ચ કક્ષાએથી ઘણી ટીમો બને તો જ થાય નહીતો આ લાંબી પ્રક્રિયા પુરી જ થાય તેમ નથી તે મ પણ ઉમેર્યુ છે.