વિચાર્યા વગર અજાણીની મહિલાને ઘરકામે રાખી, આવ્યો રોવાનો વારો

આંખ ઉઘાડતો કિસ્સો

વિચાર્યા વગર અજાણીની મહિલાને ઘરકામે રાખી, આવ્યો રોવાનો વારો

Mysamachar.in-સુરતઃ

આજના યુગમાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય છે, જેથી ઘર કામ માટે કામવાળી રાખવાનું ચલણ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યું છે. જો કે વિચાર્યા વગર અજાણી મહિલાઓને ઘરકામે રાખવાથી કેવું નુકસાન થાય છે તેનું ઉદાહરણ આપતી ઘટના સુરતમાં બની છે. અહીં આઠ દિવસ પહેલા જ ઝાડું-પોતાના કામે રાખેલી મહિલા ઘરમાં કબાટમાં રાખેલા દાગીના અને રોકડ રકમમાં ઝાડું મારીને ફરાર થઇ ગઇ છે. સુરતમાં આશિર્વાદ પાર્કમાં પ્રોપર્ટી બ્રોકરનું કામ કરતાં શંભુનાથે પુત્રવધુની થોડા સમય પહેલા જ ડિલિવરી થતા માતા તેના પુત્રનું વધુ ધ્યાન રાખી શકે તે માટે ઘરકામ માટે કામવાળી રાખવાનું નક્કી કર્યું. આ માટે સિક્યોરિટી ગાર્ડે સંગીતા પાસવાનનો સંપર્ક કરાવ્યો હતો. છેલ્લા આઠ માસથી સંગીતા કામે આવવા લાગી, જો કે સંગીતા તેની સાથે પોતાની બહેન પુજાને પણ સાથે લાવતી.

સંગીતાએ કહ્યું કે તેની બહેન પુજા પ્રેગ્નેન્ટ છે આથી ઘરે એકલી ન મૂકી શકાય તેથી તેને પણ કામે સાથે લાવતી. એ દરમિયાન એક દિવસ ઘરની મહિલાને વાતોમાં વ્યસ્ત રાખી સંગીતાએ બેડરૂમમાં લાકડાના ફર્નિચરવાળા કબાટને ચાવીથી ખોલી ડ્રોવરમાં રાખેલા રોકડા 10 હજાર અને 17 લાખના ડાયમંડ અને સોનાના દાગીના સાથે કુલ 17 લાખ 10 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા. આ અંગે જ્યારે શંભુનાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તો ત્યાં જાણવા મળ્યું કે સંગીતા અને પુજા વિરુદ્ધ ચોરીના અનેક ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. તો બીજી બાજુ અજાણી વ્યક્તિને ઘરકામે રાખનારાઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો બન્યો છે.