Mysamachar.in-જામનગરઃ
જામનગર શહેરને ડેંગ્યુએ ભરડામાં લીધું છે. રાજ્યમાં સૌથી વધુ ડેંગ્યુના કેસ જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં નોંધાતા ગાંધીનગરથી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા વધારાનું પેકેજ ફાળવવાથી લઇને હેલ્થ સ્ટાફમાં વધારો કરવા સુધીના પગલાઓ તાત્કાલિક ધોરણે લેવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ખુદ જામનગર આવી પહોંચ્યા છે. જામનગર આવેલા કમિશનરે જિલ્લા ક્લેક્ટર રવિ શંકર અને મનપા કમિશનર સતીષ પટેલ સહિતના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી ચર્ચાઓ કરી હતી. બપોરે ત્રણ વાગ્યે જયપ્રકાશ શિવહરે જીજી હોસ્પિટલની મુલાકાત લેશે, અહીં તેઓ દર્દીઓ, ઉચ્ચ અધિકારીઓ તથા મેડિકલ સ્ટાફ સાથે ચર્ચા કરી કામગીરીની સમીક્ષા કરશે.