6 બેઠકની પેટા ચૂંટણીનું વિસ્તારથી પરિણામ, જાણો કોણ ક્યાં જીત્યું

છ બેઠકોમાંથી કોને કેટલી બેઠક મળી ?

6 બેઠકની પેટા ચૂંટણીનું વિસ્તારથી પરિણામ, જાણો કોણ ક્યાં જીત્યું
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલાં ચૂંટણી માહોલનો આખરે અંત આવ્યો છે. પહેલા વિધાનસભા અને ત્યારબાદ પક્ષ છોડી અન્ય પક્ષમાં જોડાવાથી અને કેન્દ્રમાં જગ્યા મળવાથી ખાલી પડેલી 6 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે. 21 તારીખે થયેલા મતદાનનું આજે પરીણામ જાહેર કરવામાં આવ્યું. જનતાએ જાણે કે ભાજપ-કોંગ્રેસને સરખા ભાગે લાડવા વહેંચ્યા હોય એમ છ બેઠકોમાંથી ત્રણ કોંગ્રેસને અને ત્રણ ભાજપના ફાળે આપી છે. આ ચૂંટણીમાં પક્ષ પલટુંઓ પર સૌ કોઇનું ધ્યાન હતું જેમાં ખાસ કરીને રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહનો કારમો પરાજય થતા ગુજરાત રાજકારણમાં નવો ઇતિહાસ લખાયો છે. હવે આ બંને નેતાઓની આગામી રણનીતિ પર સૌકોઇની નજર રહેશે.

વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ પર વિસ્તારથી નજર કરીએ તો સૌપ્રથમ અમદાવાદ શહેરમાં ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા આ બેઠક ખાલી પડી હતી. અહીં પેટા ચૂંટણીમાં ભાજપના જગદીશ પટેલની જીત થઈ છે. આ બેઠક પર ભાજપમાંથી જગદીશ પટેલ મેદાનમાં હતા. જ્યારે કોંગ્રેસ તરફથી ધર્મેન્દ્ર પટેલ મેદાનમાં હતા. અહીં કોંગ્રેસનું કહેવું છે કે અમે સાવ ઓછા માર્જિનથી હાર્યા છીએ, એટલું તેની અમે સમીક્ષા કરીશું. ત્યારબાદ ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા આ બેઠક ખાલી પડી હતી. અહીં પેટા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહની જીત થઈ છે. ગુલાબસિંહે ભાજપના ઉમેદવાર સામે છ હજાર કરતા વધારે મતોથી વિજય મેળવ્યો છે.  મતગણતરી ચાલુ છે. ભાજપ તરફથી આ બેઠક પર જીવાભાઈ પટેલ મેદાનમાં હતા.

પેટા ચૂંટણીમાં સૌકોઇની જે બેઠક પર નજર હતી એવી રાધનપુર બેઠકનું રોચક પરિણામ આવ્યું છે. અહીં કૉંગ્રેસના અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી. ત્યારબાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ ગયો અને તે ફરી પેટા ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર હતો, જો કે પેટા ચૂંટણીમાં તેનો કારમો પરાજય થયો, અને કૉંગ્રેસના ઉમેદવાર રધુ દેસાઈની જીત થઈ છે. તો લુણાવાડા બેઠકના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પર બીજેપીની ટિકિટ પર ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. અહીં ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવકની 12028  મતોથી જીત થઈ છે. જ્યારે કૉંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણનો પરાજય થયો છે. 

આ સિવાય ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા ખેરાલુ બેઠક ખાલી પડી હતી. અહીં  બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોરની 20 હજારથી વધારે મતોથી જીત થઈ છે. કોંગ્રેસ તરફથી આ બેઠક પર બાબુજી ઠાકોર મેદાનમાં હતા. ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. તો બાયડ બેઠકમાંથી કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી. અહીં કૉંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જીત થઈ છે. આ બેઠક પર અલ્પેશ ઠાકોરની સાથે ભાજપ તરફથી પક્ષ પલટો કરીને મેદાને ઉતરેલા આવેલા ધવલસિંહ ઝાલાને હારનો સામનો કરવો પડ્યો છે.