ગુજરાત ATSને મોટી સફળતા, એક આતંકવાદીની ધરપકડ

ISIS સાથે કનેક્શનની આશંકા

ગુજરાત ATSને મોટી સફળતા, એક આતંકવાદીની ધરપકડ
ફાઇલ તસવીર

Mysamachar.in-વડોદરાઃ

દિલ્હીમાંથી ત્રણ આતંકી ઝડપાયાને હજુ ગણતરીના કલાકો જ થયા છે, ત્યારે ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. વડોદરામાંથી ISISના આતંકીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આતંકીનું નામ ઝફર અલી ઉર્ફ ઉમર છે, જે વડોદરા નજીક શંકાસ્પદ હિલચાલ કરી રહ્યો હતો એ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકી ભરૂચ અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં રહીને નેટવર્ક ઉભું કરવાની ફિરાકમાં હતો. ઉલ્લેખનીય છે કે આજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ISISના ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. ત્રણેય આંતકીઓની ધરપકડ એન્કાઉન્ટર પછી વજીરાબાદથી કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. હાલ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ત્રણેય આતંકીઓની પૂછપરછ કરી રહી છે. એવામાં ગુજરાતમાંથી પણ એક આતંકવાદી પકડાતા દેશભરમાં આતંકી નેટવર્કનો પર્દાફાશ થઇ શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઝડપાયેલો ISISનો આતંકી ઝફર અલી અગાઉ તમિલનાડુના એક કેસમાં મોસ્ટ વોન્ટેડ જાહેર થયેલો છે અને તેના બેંગાલુરુમાંથી મોટા હથિયારો ઝડપાયા હતા. જેમાં 3 પિસ્ટલ અને 90 રાઉન્ડ મળ્યા હતા. ગુજરાત ATSને માહિતી મળી હતી કે ISISના આતંકી ઝફર અલી ભરૂચમાં પણ કેટલીક ગેરકાયદેસર ગતિવિધિ કરી રહ્યો હતો. થોડા દિવસ બાદ 26મી જાન્યુઆરીનો રાષ્ટ્રીય તહેવાર આવનાર છે, એ ગુજરાતમાંથી આતંકવાદી પકડાવાથી મોટા હુમલાની ઘાત ટળી હોવાની ચર્ચા ચાલી રહી છે.