સોનાની ચેન તૂટી જતા ગરબાની રમઝટ વચ્ચે બે જૂથ વચ્ચે 'ધીંગાણું'

બબાલથી ગરબાના રંગમાં ભંગ પડ્યો

સોનાની ચેન તૂટી જતા ગરબાની રમઝટ વચ્ચે બે જૂથ વચ્ચે 'ધીંગાણું'

Mysamachar.in-વલસાડ

હાલ રાજ્યમાં નવરાત્રી પૂરજોશમાં છે, ખેલૈયાઓ મન મૂકીને માતાજીની આરાધના કરવાની સાથે ગરબે ઘૂમી રહ્યાં છે, જો કે આ દરમિયાન નાના-મોટા ઝઘડાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઇમા ગામમાં રવિવારે રાત્રે ગરબાની રમઝટ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. પારડીના ગોઈમા ગામમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આઠમના નોરતે ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા હતા. આ દરમિયાન ગરબા રમી રહેલા એક યુવકની સોનાની ચેન તૂટી જતા તેની સાથે અથડાયેલા યુવક સાથે ઝપાઝપી અને મારામારી થઈ હતી. ટૂંક સમયમાં જ આ ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને બે ટોળા સામ-સામે આવી ગયા હતા. 

બે યુવકો અથડાયા બાદ શરૂ થયેલી બબાલમાં બંને પક્ષે તેના મિત્રો આવી ગયા અને છૂટ્ટાહાથની મારામારી શરૂ થઇ હતી. બે જૂથ સામસામે આવી જતા ચાલુ ગરબામાં જ દોડધામ થઈ હતી. ગરબાની રમઝટ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાતા લોકો દંગ રહી ગયા હતા. બંને જૂથ વચ્ચે ગરબામાં છૂટાહાથની મારામારી થઈ હતી. યુવકોના બે જૂથો વચ્ચે થયેલી બબાલને પગલે ગરબાના રંગમાં ભંગ પડ્યો હતો. જોકે, આ મામલો હજુ સુધી પોલીસ સ્ટેશન પહોંચ્યો નથી. ગરબામાં થયેલી મારામારીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ ચાલુ ગરબામાં મારામારી થતાં આ કિસ્સો સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એક તરફ રાજ્યમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, જેને લઇને પોલીસનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે તેમ છતા શહેરમાં અશાંતીથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે.