જિલ્લા પંચાયત સાથે સરકારનુ ઓરમાયુ વર્તન
ઝુંટવાતી ગ્રામજનોની સુવિધા

Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બનેલા માર્ગો, કોઝ-વેનો જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે સર્વે કરતા 40 માર્ગોનું તાકીદે રીપેરીંગ કરવા જરૂરી હોય આ માટે રૂ.2 કરોડના ખર્ચનો અંદાજ દર્શાવામાં આવ્યો હતો.સરકારના ભારે દબાણના કારણે માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાકટરો પાસે ક્ષતિગ્રસ્ત 26 માર્ગનું તાકીદે રીપેરીંગ કરાવ્યું પણ સરકારે હજુ સુધી ફદિયું ગ્રાન્ટ પણ ન ફાળવતાં અનેક સવાલ ઉઠયા છે.
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે માર્ગ, કોઝ વે ને ભારે નુકશાન થયું હતું. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આવાગમન ભારે મુશ્કેલ બન્યું હતું. આથી રાજય સરકારે તાકીદના ધોરણે માર્ગો રીપેર કરવા કરેલા આદેશ મુજબ જામનગર જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગે સર્વે કરતા જિલ્લામાં કુલ 40 કોઝ-વે, પુલ, માર્ગને નુકશાન થયું હોય તાકીદના ધોરણે રીપેરીંગ માટે રૂ.2 કરોડના ખર્ચનો અંદાજ દર્શાવતો અહેવાલ રાજય સરકારને મોકલ્યો હતો. આટલું જ નહીં સરકારના ભારે દબાણના કારણે માર્ગ મકાન વિભાગે વરસાદના કારણે ધોવાયેલા 40 પૈકી 26 કોઝ-વે, પુલ, માર્ગ પર માટી મોરમ નાંખી રીપેરીંગ કરી કર્યું છે જેમાં રૂ.39.90 લાખનો ખર્ચ થયો છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે,સરકાર દ્રારા હજુ ગ્રાન્ટ પેટે ફદિયું ફાળવામાં આવ્યું નથી.