Mysamachar.in-ગાંધીનગરઃ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થવાનું શરૂ થઇ ગયું છે. આ દરમિયાન વિપક્ષ દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે કેટલીક રોચક માહિતી આપી છે. સરકારે જણાવ્યું કે વર્ષ 2018-19માં પેટ્રોલ-ડીઝલ પર VATની કમાણીમાં 59 ટકા એટલે કે 14,000 કરોડ રૂપિયાનો જંગી વધારો થયો છે. GST હેઠળ ન આવતા પેટ્રોલ અને ડીઝલ પર ગુજરાત સરકાર દ્વારા વેલ્યૂ એડેડ ટેકસ એટલે કે VAT વસૂલવામાં આવે છે. વર્ષ 2015-16માં ગુજરાત સરકારને પેટ્રોલ ડીઝલ પર લાગતા ટેકસ પેટે રૂપિયા 8,199 કરોડ રુપિયાની આવક થઈ હતી. આ આંકડો 2018-19માં વધીને 14,001 કરોડ રુપિયા પર પહોંચ્યો હતો. તો સાથે જ ચાલુ નાણાંકીય વર્ષ 2019ના જુન મહિના સુધીમાં તો આ આવક 3510 કરોડ સુધી પહોંચી ગઇ છે.
પેટ્રોલ-ડીઝલ પર રાજ્ય સરકાર અવાર નવાર વધારો-ઘટાડો કરતી રહે છે. જેમ કે 2017-18માં એટલે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન VATના દરમાં ચાર ટકાનો ઘટાડો કરી 20 ટકા દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓક્ટોબર 2018માં વધુ ત્રણ ટકા ઘટાડી 17 કરવામાં આવ્યો હતો. હાલ પેટ્રોલ-ડીઝલ પર 17 ટકા VAT અને ચાર ટકા શેશ વસૂલવામાં આવે છે. પેટ્રોલ-ડીઝલ સિવાય સરકાર CNG અને PNG પર 15 ટકા VAT વસૂલવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં CNG પર થતી આવક 28 ટકા વધી 411 કરોડ રૂપિયા પર પહોંચી છે. જ્યારે PNGમાં 30 ટકાના ઘટાડા સાથે 702 કરોડ પર પહોંચી છે.