સૌની પાછળના આંધણનો હિસાબ માંગવાના મંડાણ..

થઈ રહેલા કામોની તપાસ જરૂરી

સૌની પાછળના આંધણનો હિસાબ માંગવાના મંડાણ..

Mysamachar.in-જામનગર:

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના એટલે કે સૌની યોજના પાછળ અત્યારસુધીમાં 13 હજાર કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થઈ ગયો છે. આ યોજના બનાવવા પાછળનો મુખ્ય આશય એવો છે કે, સરદાર સરોવર ડેમમાંથી દર વર્ષે ઓવરફલો થઇને જે પાણી દરિયામાં વહી જાય છે તે પાણી બચાવીને પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવું. આ માટે સૌરાષ્ટ્રમાં મુખ્ય ચાર લિંક આધારિત સમગ્ર યોજના તૈયાર કરી છે. જેમાં સૌરાષ્ટ્રના કુલ 115 જળાશયો નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને આ બધા ડેમોમાં કુલ 43,500 MCFT પાણીનો જથ્થો ભરવામાં આવશે એવી વાત છે. પરંતુ આ યોજનાની લીંકના તમામ કામો કુલ ત્રણ તબક્કામાં વહેંચાયેલા છે. જે પૈકીમાંથી બે તબક્કાનું કામ પૂર્ણ થઇ ગયું છે. હવે ત્રીજા અને આખરી તબક્કાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.

આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રના 115 ડેમોમાંથી વાસ્તવમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ કેટલું પાણી ભરાયું તે જાણવું ખૂબ જ મહત્ત્વનું છે. કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશએ વિધાનસભામાં આ અંગે પ્રશ્ન પણ પૂછ્યો હતો અને 2017-18 તથા 2018-19 દરમિયાન સૌની યોજના હેઠળ ડેમો ભરવા માટે નર્મદા યોજનામાંથી કેટલું પાણી ભરાયું તેની માહિતી માંગી હતી. જળસંપત્તિ મંત્રીએ આ અંગે સત્તાવાર રીતે જણાવ્યું છે, કે 2017-18 માં 4,871 MCFT પાણી જ્યારે 2018-19માં 6,789 MCFT પાણીનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. આમ છેલ્લા બે વર્ષ દરમિયાન સૌની યોજના હેઠળ કુલ 11,660 MCFT પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના જુદા-જુદા જળાશયોમાં આપવામાં આવ્યો છે. હવે બાકી રહેલા છેલ્લા તબક્કાના કામો પાછળ લગભગ 6,000 કરોડનો ખર્ચો થવાનો અંદાજ મુકાયો છે.

આગામી બે વર્ષ દરમિયાન સૌની યોજનાના તમામ કામો પૂરા થઈ જશે એવો જવાબ પણ વિધાનસભામાં અપાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, અત્યાર સુધીમાં 13,000 કરોડનો ખર્ચો થઇ ગયા બાદ પણ જે વાત કરવામાં આવી હતી તેનો 30 ટકા પાણીનો જથ્થો પણ પૂરતો આવ્યો નથી. જ્યારે, યોજનાનો જે ખર્ચ અંદાજવામાં આવ્યો હતો તેનાથી વધુ રકમતો પ્રથમ બે તબક્કામાં જ ખર્ચાઇ ગઇ છે. એટલે કે, આગામી સમયમાં નર્મદા આધાર યોજના દ્વારા સૌરાષ્ટ્રના કેટલા ડેમોમાં કેટલા એમસીએફટી પાણી આવે છે અને કેટલા લોકોને તે પીવા માટે મળે છે તે જોવું રસપ્રદ બનશે.