ગુજરાતમાં દીકરીઓ કેટલી સલામત ?

વધુ એક કિસ્સો

ગુજરાતમાં દીકરીઓ કેટલી સલામત ?

Mysamachar.in-રાજકોટઃ

છેલ્લા કેટલાક સમયથી મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે, જેમાં વડોદરા, રાજકોટ, હૈદરાબાદ અને ઉન્નાવ દુષ્કર્મની ઘટનાઓથી જનતામાં રોષની લાગણી છે. લોકો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યાં છે. પરંતુ શું ખાલી સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી દેવાથી પ્રશ્નોનું નિરાકરણ આવી જશે ? આ સવાલ એટલા માટે થઇ રહ્યો છે કારણ કે મુખ્યમંત્રીના શહેરમાં ખુલ્લેઆમ એક યુવતીની છેડતીની ઘટના બની, જાણે કે ફિલ્મના કોઇ દ્રશ્ય હોય એમ સ્વીફ્ટ કારમાં ત્રણ શખ્સો દ્વારા સ્કૂટર પર જતી યુવતીનો પીછો કરી છેડતી કરવામાં આવી. એટલું જ નહીં યુવતીને જાહેરમાં બિભત્સ ગાળો પણ આપવામાં આવી, યુવતીએ સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે ઘટના બાદ શું નરાધમોમાં પોલીસનો કોઇ ખોફ જ નથી ? જેવા વેધક સવાલો ઉઠી રહ્યાં છે.

ઘટના એવી બની કે રાજકોટના કાલાવડ રોડ પર મોડી રાતે યુવતી સાથે છેડતીની ઘટના બની, જે અંગે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.  GJ 03 KH 2978 નંબરની સ્વીફ્ટ કાર લઇને આવેલા ત્રણ શખ્સોએ કોટેચા ચોકથી કે.કે.વી. હોલ સુધી સ્કૂટર લઇને નીકળેલી યુવતીનો પીછો કર્યો. ત્યારબાદ યુવતીને બેફામ બિભત્સ ગાળો આપી હતી, ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં કોટેચા ચોકથી કેકેવી હોલ સુધીનો રસ્તો પોષ વિસ્તાર ગણાય છે, આ રોડ પર વાહનોની અવર જવર વધુ હોય છે, ત્યારે જાહેરમાં આ પ્રકારે છેડતીની ઘટનાથી અનેક સવાલ ઉઠ્યા છે. તો ફરિયાદ બાદ માલવિયાનગર પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ ઇમરાન, સૈયદ અને ફેઝલ નામના ત્રણેય શખ્સો તથા કારની અટકાયત કરી છે, શું ઘટના બાદ આરોપીઓને કલાકોમાં પકડી લેતી પોલીસનો ખોફ નથી રહ્યો ? જાહેરમાં યુવતીની છેડતીની ઘટનાથી હવે દીકરીઓએ ઘરની બહાર નીકળવાનું ટાળવું પડશે ? શું માત્ર સોશિયલ મીડિયા પર રોષ ઠાલવતા નેતાઓ અને લોકો દુષ્કર્મની ઘટના બાદ જ પોતાની પ્રતિક્રિયા આપશે ?