યુવતીએ રૂમમાં યુવકના અશ્લીલ ફોટા પાડી ફસાવ્યો ને પછી...

હનિટ્રેપમાં ફસાયો યુવક

યુવતીએ રૂમમાં યુવકના અશ્લીલ ફોટા પાડી ફસાવ્યો ને પછી...
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-ભુજઃ

ગુજરાતમાં નેતાઓને અને વેપારીઓને હનિટ્રેપમાં ફસાવવાની તો અનેક ઘટનાઓ બની ચૂકી છે પરંતુ હવે સામાન્ય નાગરિકોને પણ ફસાવવાની ઘટના વધી રહી છે. ભુજમાં એક યુવકને સોશિયલ મીડિયા મારફતે સંપર્ક સાધી યુવતી સાથે પ્રેમાલાપ કરવાની પાંચ લાખની કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે.  ભુજના સંસ્કારનગરમાં એમ્પાયર ટાવરમાં રહેતા એક યુવકને હનિટ્રેપમાં ફસાવી પાંચ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી. બાદમાં યુવકના પિતાએ ખંડણીની ફરિયાદ નોંધાવતા યુવતી અને તેના સાગરિતોની ગણતરીની કલાકોમાં જ પોલીસે ઝડપી લીધા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે હનિટ્રેપનો માસ્ટમાઇન્ડ ફરાર હોવાનું કહેવામાં આવ્યું છે. 

મૂળ સુરતમાં રહેતી શ્રદ્ધા ઉર્ફ સોનલ ભટ્ટી નામની યુવતીએ સૌપ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ મારફતે યુવકનો સંપર્ક સાધ્યો હતો, ત્યારબાદ પ્લાનિંગ પ્રમાણે મીઠી મીઠી વાતો કરી યુવકને પ્રેમજાળમાં ફસાવ્યો, અને એક દિવસ એકાંતમાં મળવા માટે બોલાવ્યો. પ્રેમમાં અંધ બનેલો યુવક મળવા માટે પહોંચ્યો અને રૂમમાં શ્રદ્ધાએ યુવકના અશ્લિલ ફોટો પાડી લીધા. થોડા દિવસબાદ યુવકના ફોનમાં તેની અશ્લિલ તસ્વીરો મોકલી પાંચ લાખની ખંડણી માગવામાં આવી. ડરી ગયેલા યુવકે સમગ્ર હકિકત તેના પિતાને જણાવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે યુવકના એપાર્ટમેન્ટમાં જ રહેતા નયન ગઢવી અને દ્વારકાનો રહેવાસી હેમંત ચાવડા તથા શ્રદ્ધા દ્વારા આ ખંડણી માગવામાં આવી હતી. હેમંતે ઇમરાન બનીને ફોન પર ખંડણી માગી હતી. તો આ ત્રણેય સિવાય માંડવીમાં રહેતા સાગર ગઢવી સાથે મળી હનિટ્રેપનું પ્લાનિંગ કર્યું હતું. જેમાં માસ્ટર માઇન્ડ સાગર ગઢવી હતો. પોલીસે યુવતી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે સાગર ગઢવીની શોધખોળ હાથ ધરી છે.