મિત્ર સાથે ગાર્ડનમાં બેઠેલી યુવતીનું પોલીસની ઓળખ આપી અપહરણ

બાદમાં યુવતી સાથે જાણો શું બન્યું

મિત્ર સાથે ગાર્ડનમાં બેઠેલી યુવતીનું પોલીસની ઓળખ આપી અપહરણ

Mysamachar.in-અમદાવાદઃ

રાજ્યભરમાં દુષ્કર્મની ઘટનાને કારણે ભારે ચર્ચા છે, મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. એવામાં મેટ્રો શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના બની હોત જો અપહત્ય યુવતીએ થોડી હિંમત ન દેખાડી હોત. અમદાવાદમાં વિરાટનગરમાં ગાર્ડનમાં મિત્ર સાથે બેઠેલી યુવતીનું પોલીસની ઓળખાણ આપી એક શખ્સે અપહરણ કર્યું હતું. બાદમાં આ શખ્સ યુવતીને એક કોમ્પ્લેક્ષમાં લઇ ગયો. જ્યાં એકલતાનો લાભ લઇ અડપલા શરૂ કર્યા હતા. જો કે આ દરમિયાન શખ્સને ધક્કો મારી યુવતી ભાગી છૂટી અને પોલીસને વિગત જણાવી. યુવતીએ જણાવ્યું કે તે ગાર્ડનમાં મિત્ર સાથે બેઠી હતી ત્યારે એક શખ્સ આવ્યો જેણે પોલીસમાં હોવાની ઓળખાણ આપી, ત્યારબાદ 'અહીં બેસીને શું કરો છો ?' તેમ કહી યુવકને સાઇડમાં લઇ જઇ ફડાકા મારી ભગાડી મૂક્યો અને યુવતીને બાઇક પર બેસાડી બે કિમી દૂર ઓઢવ શબરી હોસ્પિટલવાળા કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે લઇ ગયો.

કોમ્પ્લેક્ષના ઉપરના માળે પહોંચતા જ શખ્સે યુવતીનો હાથ પકડી લીધો અને અડપલા શરૂ કરી દીધા. આ દરમિયાન ગભરાયેલી યુવતીએ થોડી હિંમ્મત કરી શખ્સને ધક્કો મારી બૂમાબૂમ શરૂ કરી ત્યાંથી નીચે હોસ્પિટલમાં દોડી આવી. અહીં એક મહિલા પાસેથી મોબાઇલ લઇને તેણીએ પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલ દોડી આવેલી પોલીસે પ્રાથમિક વિગતો નોંધી સીસીટીવી ચેક કર્યા હતા, જેના પરથી તેઓએ જણાવ્યું કે આ શખ્સ પોલીસમાં હોય તેમ લાગી રહ્યું નથી પરંતુ ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે. બીજી બાજુ ધોળા દિવસે આવી રીતે જાહેરમાં યુવતીના અપહરણની ઘટનાથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે.