સાવધાન ! રાજ્યમાં કારમાંથી આ ખાસ વસ્તુની ચોરી કરતી ગેંગ સક્રિય

બે દિવસમાં બે જિલ્લામાં ચોરીની અનેક ઘટના

સાવધાન ! રાજ્યમાં કારમાંથી આ ખાસ વસ્તુની ચોરી કરતી ગેંગ સક્રિય
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

તહેવારોની સીઝન દરમિયાન અને પછી તસ્કરીની ઘટના રાફડાની જેમ ફાટી નીકળી છે. ઘરફોડ ચોરીથી લઇને વાહન ચોરીની દરરોજ અનેક ફરિયાદો નોંધાઇ રહી છે. તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં હોય એમ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. ઘરફોડ ચોરી અને લૂંટ બાદ હવે રાજ્યમાં એક ગેંગ એવી સક્રિય થઇ છે જે કારમાંથી માત્ર મ્યૂઝિક સિસ્ટમની જ ચોરી કરી છે. છેલ્લા બે દિવસમાં આ પ્રકારની અનેક ફરિયાદ મળતા પોલીસ ટીમ પણ દોડતી થઇ છે. છેલ્લા કેટલાક દિવસમાં રાજકોટમાં દશ અને અમદાવાદમાં ત્રણ ગાડીમાંથી મ્યૂઝિક સિસ્ટમની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. ગુરુવારે રાજકોટમાં સામાકાંઠે આવેલા રણછોડનગર સોસાયટીમાં આ ટોળકી ત્રાટકી અને એક સાથે 10 જેટલા વાહનમાંથી ટેપ રેકોર્ડરની ઉઠાંતરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ છે. ત્યારબાદ અમદાવાદમાં વિજય ચાર રસ્તા, નારણપુરા અને પાલડી પાસેના વિસ્તારમાં આવા જ પ્રકારની ચોરીની ફરિયાદ નોંધાઇ છે. અચાનક એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીની અનેક ઘટનાને કારણે સ્થાનિક પોલીસના ડીસ્ટાફની સાથે ક્રાઇમબ્રાંચે પણ તપાસ હાથ ધરી છે અને ગેંગ વધુ કોઇ ઘટનાને અંજામ આપે તે પહેલા પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.