જી જી હોસ્પિટલના ડોક્ટર્સે બીજી વખત દુર્લભ બીમારીની કરી સફળ ટ્રીટમેન્ટ

ડૉ. ઇવા ચેટરજીને મળી વધુ એક સિદ્ધિ

જી જી હોસ્પિટલના ડોક્ટર્સે બીજી વખત દુર્લભ બીમારીની કરી સફળ ટ્રીટમેન્ટ

Mysamachar.in-જામનગરઃ

કહેવાય છે કે ડોક્ટર એ ભગવાનું બીજું સ્વરૂપ છે, આજના ટેક્નોલોજીના યુગમાં માણસને મૃત્યુના મુખમાંથી પાછા લાવવાનું કામ ડોક્ટર કરી દેખાડે છે. આવું એક સફળ ઓપરેશન જીજી હોસ્પિટલના ડોક્ટર્સે કર્યું છે. ટીબી એન્ડ ચેસ્ટ ડીસીઝના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. ઇવા ચેટરજીની ટીમે પ્રત્યેક એક લાખ લોકોમાં ફક્ત એક વ્યક્તિમાં જોવા મળતી અતિ દુર્લભ બીમારી વોલ લંગ લેવેજનું બીજી વખત સફળ ઓપરેશન કર્યું છે. નવાઇની વાત તો એ છે કે ખાનગી હોસ્પિટલમાં જે ઓપરેશન પાછળ અંદાજે બેથી અઢી લાખ રૂપિયાનો ખર્ચ થાય તે સાવ ફ્રીમાં જીજી હોસ્પિટલમાં કરવામાં આવતા લોકો માટે ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલું જ નહીં જીજી હોસ્પિટલ સિવાય રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં ક્યાંય આ પ્રકારની ટ્રીટમેન્ટ થતી નથી.

વોલ લંગ લેવેજ નામની આ બીમારીમાં દર્દીના ફેફસામાં પ્રોટીન ભરાઇ જાય છે, જેના કારણે દર્દીને શ્વાસ લેવાની તકલીફ રહે છે. ઘણીવાર આ બીમારી જીવલેણ સાબીત થાય છે, આથી ઓપરેશન કરી દર્દીના ફેફસામાં સેલિન નાખી સાફ કરવામાં આવે છે. ઓપરેશન સફળ રહેવાથી દર્દી લાંબા સમયથી તકલીફથી મુક્ત રહે છે. જામનગર જી જી હોસ્પિટલમાં સૌથી પહેલા આ પ્રકારની ટ્રીટમેન્ટ 3 વર્ષ પહેલા ટી.બી.એન્ડ ચેસ્ટ ડીસીઝના ડૉ.ઇવા ચેટરજી દ્વારા કરવામાં આવી હતી. જે દર્દીને હજુ પણ ઘણું સારું છે. ફરી આવો જ કેસ આવતાં જીજી હોસ્પિટલના રેસ્પિરેટરી મેડિસિન ટી.બી. એન્ડ ચેસ્ટ ડીસીઝના મદદનીશ પ્રાધ્યાપક ડૉ ઇવા ચેટરજી અને એનેસ્થેસ્યોલોજી વિભાગના ડૉ.નીપા નાયક અને ડૉ.જયદેવ દવે સાથે મળી કરવામાં આવી હતી.