લાલચ બૂરી બલા, લોટરીના 73 કરોડ ન લાગ્યા પણ આટલી રકમ સામી ગઇ

આંખ ઉઘાડતો કિસ્સો

લાલચ બૂરી બલા, લોટરીના 73 કરોડ ન લાગ્યા પણ આટલી રકમ સામી ગઇ

Mysamachar.in-કચ્છઃ

કચ્છના મેઘપર બોરીચીના એક વ્યક્તિને અધધ 73 કરોડ રૂપિયાની લોટરી લાગતા થોડો સમય તેની ખુશીનો કોઇ પાર ન રહ્યો પરંતુ હવે તે ટેન્શનમાં ગરકાવ થઇ ગયો. વાત એવી બની કે અશોક પરીહારને રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડની મુંબઇ સ્થિત બ્રાંચ તરફથી 10,56,300 મિલિયન ડોલર એટલે કે અંદાજે 73 કરોડની લોટરી લાગી હોવાનું કહેવામાં આવ્યું. બાદમાં કહેવામાં આવ્યું કે ભારતીય કાયદા અને ફોરેન એક્ષચેંજ મુજબ વિદેશ મંત્રાલયે લોટરીની રકમના ફંડ માટે 22મી નવેમ્બરના સર્ટીફિકેટ પણ ઇસ્યુ કર્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા સર્ટિફિકેટ ઇસ્યુ થયા પછી બેંકના અધિકારીનો સંપર્ક થતાં લોટરીની રકમ જમા થઇ છે જેનું સર્ટીફિકેટ બેંકે 13મી નવેમ્બરે ઇસ્યુ કર્યું છે અને તમારા સ્ટેટ બેંકના ખાતામાં પૈસા જમા થશે પરંતુ આ તમામ પ્રોસેસ માટે તમારે રૂપિયા 40 હજાર આપવા પડશે.

 

લોટરીની વાતો કરી રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડના માણસોએ ગાંધીધામ સ્થિત અશોકભાઇની મુલાકાત પણ લીધી. આ દરમિયાન તેઓએ પોતાની ઓળખ રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડની મુંબઇ બ્રાંચમાંથી આવ્યા હોવાની આપી હતી. આ મુલાકાત દરમિયાન બેંકના માણસોએ કહ્યું કે 40 હજારનો સરચાર્જ ચૂકવવો પડશે અને આ ચાર્જ ચૂકવ્યાને 20 દિવસમાં લોટરીની રકમ તમારા ખાતામાં જમા થઇ જશે. આ માટે અશોકભાઇએ કહ્યું કે હું તમારા બેંક ખાતામાં જમા કરાવી દઇશ, જો કે બેંકના માણસોએ ખાતા નંબર આપવાના બદલે રોકડા માગ્યા તો અશોકભાઇએ કેસ 40 હજાર આપી દીધા. બાદમાં 20 દિવસનો સમય વીતી ગયો છતા લોટરીની રકમ જમા ન થતા ગાંધીધામના ધારાશાસ્ત્રી એન.જે. તોલાણીએ તેમના અસીલ મેઘપર બોરીચીમાં રહેતા અશોક કપુરચંદ પરીહાર મારફત રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ લોઅર પરેલ રોડ મુંબઇનાં મેનેજરને નોટિસ પાઠવી છે. જો કે લોટરીની રકમ જમા થશે કે કેમ એતો પછીની વાત છે પરંતુ આવી રીતે લોટરી લાગી હોવાનું કહી ઠગાઇ કર્યાના અનેક કિસ્સાઓ તો પ્રકાશમાં આવી ચૂક્યા છે.