આવી રીતે ગુજરાતમાં ઘૂસાડાયો અધધ 17 લાખનો દારૂ !

સી પી એ મગાવ્યો હતો દારૂ !

આવી રીતે ગુજરાતમાં ઘૂસાડાયો અધધ 17 લાખનો દારૂ !
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

ગાંધીના ગુજરાતમાં દારૂના મોટા પાયે વેપલો કરવાની મંશા સફળ બને તે પહેલા પોલીસે સમગ્ર પ્લાન નિષ્ફળ બનાવી દીધો. અધધ 17 લાખનો દારૂ અમદાવાદ સુધી પહોંચી ગયો, જો કે અમદાવાદમાં પોલીસ ટીમે સતર્કતાથી 17 લાખનો દારૂ સહિતના 30 લાખનો મુદ્દામાલ ઝડપી ચાર શખ્સોની ધરપકડ કરી. પુછપરછમાં બહાર આવ્યું કે આ દારૂ રાજસ્થાનથી મોકલવામાં આવ્યો છે અને તેને સી પી નામના કોઇ વ્યક્તિએ મંગાવ્યો હતો. જો કે દારૂ ઘૂસાડવા માટે ખાસ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદમાં નરોડા ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે દહેગામ રોડ પર જીઇબીની ઓફિસ પાસેથી દારૂ ભરેલો એક ટ્રક પસાર થશે, જેના આધારે પોલીસ ટીમ ગોઠવાઇ ગઇ. દારૂ ભરેલો ટ્રક આવે એ પહેલા અહીંથી એક શંકાસ્પદ કાર પસાર થઇ જેની પોલીસે અટકાયત કરી, થોડી જ વારમાં દારૂ ભરેલો ટ્રક પણ આવી પહોંચ્યો. પોલીસે બંનેની અટકાયત કરતાં તપાસ હાથ ધરી તો ટ્રકમાં ચોખાના ભુસાની ગુણીઓમાં સંતાડેલો 17 લાખના દારૂ મળી આવ્યો. આ ટ્રકમાંથી ડ્રાઇવર અસરફઅી મન્સુરી અને ક્લીનર અલીમહોમદ અલવીની અને કારમાંથી જીતેન્દ્રસિંગ રાઠોડ, રાજેન્દ્રસિંગ રાઠોડની ધરપકડ કરવામાં આવી. પુછપરછમાં સામે આવ્યું કે દારુ રાજસ્થાનથી લાવી રહ્યાં હતા અને કાર દ્વારા પાયલોટિંગ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે કુલ 5040 નંગ દારૂની બોટલોનો જથ્થો ટ્રકમાંથી મળ્યો હતો. પોલીસે 17 લાખનો દારૂ, 10 લાખની ટ્રક, કાર અને મોબાઇલ ફોન સહિતનો કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ આ દારૂ સી પી નામના કોઇ વ્યક્તિએ મગાવ્યો હતો.