તમને કોઇ નહીં રોકી શકે રેસ્ટોરન્ટના રસોડામાં જતાં

જાણો શું છે નવો નિયમ

તમને કોઇ નહીં રોકી શકે રેસ્ટોરન્ટના રસોડામાં જતાં
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી અનેક જાણીતી રેસ્ટોરન્ટમાં ખોરાકમાં જીવાત નીકળવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જેની રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગંભીરતાથી નોંધ લઇ નવો આદેશ જાહેર કર્યો છે. આ નવા આદેશના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં કોઇપણ હોટેલ રેસ્ટરન્ટમાં ગ્રાહકને રસોડામાં જતા રોકી શકાશે નહીં. એટલું જ નહીં રસોડા બહાર જે પ્રવેશ પ્રતિબંધના બોર્ડ મારેલા હોય છે તે તમામ હટાવી લેવામાં આવે. જો કોઇ રેસ્ટોરન્ટ ગ્રાહકોને રસોડામાં જતા રોકશે તો તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હોટેલ રેસ્ટોરન્ટો માટે ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં આદેશ કરવામાં આવ્યો કે હોટેલ કે રેસ્ટોરન્ટે પોતાના રસોડાના દરવાજા પર લગાવેલા No Admisson With Out Permission અને Admisson only With Permisson બોર્ડ તાત્કાલિક ઉતારી લેવા, ગ્રાહકો ઇચ્છે તો રેસ્ટોરન્ટના રસોડાનું ચેકિંગ કરી શકે છે. સાથે જ રેસ્ટોરન્ટના રસોડામાં એવા દરવાજા કે બારી મૂકવી જેનાથી બહાર બેઠેલા ગ્રાહકને રસોડામાં કેવી રીતે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે તે સ્પષ્ટ પણે દેખાઇ શકે. આ પાછળ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને શુદ્ધ ભોજન મળી રહે તેવો હેતુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અનેક જાણીતી રેસ્ટોરન્ટમાં જમવામાં જીવાત કે વાસી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.