સેલ્ફીની લ્હાયમાં બે યુવતી સહિત પાંચ તળાવમાં ડૂબ્યા, ત્રણનાં મોત

એક યુવકની શોધખોળ ચાલુ

સેલ્ફીની લ્હાયમાં બે યુવતી સહિત પાંચ તળાવમાં ડૂબ્યા, ત્રણનાં મોત

Mysamachar.in-રાજકોટઃ

રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં પરશુરામધામ નજીક તળાવમાં બે યુવતી સહિત પાંચ લોકો ડૂબ્યાની જાણ થતા દોડાદોડી મચી હતી. બાદમાં રેસ્ક્યૂ ટીમે બંને યુવતીને બચાવી લીધી છે. જ્યારે અન્ય ત્રણ લોકો ડૂબી ગયા હતા, બે યુવકો અને બે યુવતી તળાવ પાસે ફરવા માટે આવ્યા હતા, આ દરમિયાન સેલ્ફી લેવાની લ્હાયમાં એક યુવતીનો પગ લપસતા તે તળાવમાં પડી હતી, જેને બચાવવા તેની સહેલી અને બંને યુવકો પણ તળાવમાં કુદ્યા હતા, જો કે ચારેય તળાવમાં ડૂબવા લાગ્યા હતા. આ દરમિયાન માછલીઓને લોટ નાખવા આવેલા એક આધેડ યુવાનો ડૂબી રહ્યાં હોવાનું જાણતા તેઓએ પણ બચાવવા તળાવમાં છલાંગ મારી હતી પરંતુ કમનસીબે આધેડ સહિત તમામ ડૂબવા લાગ્યા હતા. ઘટનામાં અજય સોલંકી, શક્તિ પરમાર અને તરૂણ પટેલના મોત નીપજ્યાં છે.

ઘટનાની જાણ થતા જ આસપાસના ગામજનો અને રેસ્ક્યૂ ટીમ દોડી આવી હતી. જેમાં રેસ્ક્યૂ ટીમે બે યુવતીને સુરક્ષીત બહાર કાઢી હતી, તો આધેડ અને અન્ય બે યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા હતા, ઉલ્લેખનીય છે કે તળાવ નજીક  રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા પ્રતિબંધનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, તળાવનું પાણી ઉંડું હોય કોઇ પણ વ્યક્તિએ તળાવમાં ઉતરવું નહીં. જે કોઇ પણ વ્યક્તિ તળાવમાં ઉતરશે તો તેની અંગત જવાબદારી રહેશે. બીજી બાજુ ત્રણનાં મોતથી શહેરમાં અરેરાટી વ્યાપી છે.