'મહા' ભય, ઇતિહાસમાં પહેલીવાર ગીર સોમનાથમાં થયું આવું

દરિયાકાંઠે એલર્ટ જાહેર

'મહા' ભય, ઇતિહાસમાં પહેલીવાર ગીર સોમનાથમાં થયું આવું
ફાઇલ તસવીર

Mysamachar.in-ગીર સોમનાથઃ

મહા વાવાઝોડાને લઇને તંત્ર સતર્ક બન્યું છે, દરિયાકાંઠે NDRFની ટીમ તહેનાત કરવાની સાથે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ગીર સોમનાથના દરિયાકાંઠે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે અહીં આવેલું પ્રસિદ્ધ તિર્થધામ સોમનાથ મંદિરે વર્ષોથી યોજાતા કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે આ મેળો રદ કરવામાં આવ્યો છે. મેળો રદ કરવા પાછળનું કારણ મહા વાવાઝોડું છે, મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે આથી વાવાઝોડાને કારણે જાનહાની ટાળી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સોમનાથ દાદાને ત્યાં કાર્તિકી પૂર્ણિમાના મેળાની શરૂઆત 1955થી ટ્રસ્ટના અધ્યક્ષ મોરારજી દેસાઇએ કરી હતી, શરૂઆતથી આ મેળો ત્રણ દિવસ માટે યોજાતો હતો. જો કે શ્રદ્ધાળુઓની સંખ્યા અને ઉત્સાહને ધ્યાને રાખી છેલ્લા 10 વર્ષથી આ મેળો પાંચ દિવસ સુધી યોજવામાં આવે છે. મેળા પાછળની લોકગાથા એવી છે કે કૈલાસ મહામેરૂપ્રસાદના નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયનાં શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચન્દ્ર વિશેષ રીતે પ્રકાશે છે. આ ખગોળશાસ્ત્રીય વિશેષતા છે કે, પૂનમની રાત્રીએ બાર વાગ્યે શિવની જ્યારે મહાપૂજા થાય છે ત્યારે ચન્દ્રમા એવી વિશેષ રીતે મંદિરના શિખરની ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે ચંન્દ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો હોય. દર વર્ષે ભક્તો આ અદભૂત નજારાને નરી આંખે નીહાળી ધન્યતા અનુભવે છે, પરંતુ આ વખતે મહા વાવાઝોડાને કારણે આ નજારો જોઇ શકશે નહીં. તો બીજી બાજુ ભક્તોને શ્રદ્ધા છે કે મહા જેવા અનેક શક્તિશાળી વાવાઝોડા સોમનાથ દાદા સામે કાંઠે આવે તે પહેલાં જ દરિયામાં સમાઇ ગયા છે.