પુત્ર ઇચ્છા પૂર્ણ ન થતાં પિતાએ 3 દીકરીની હત્યા કરી આપઘાત કર્યો

ચોથું સંતાન દીકરી આવતાં ભર્યું પગલું !

પુત્ર ઇચ્છા પૂર્ણ ન થતાં પિતાએ 3 દીકરીની હત્યા કરી આપઘાત કર્યો

Mysamachar.in-જૂનાગઢઃ

બેટી બચાઓ, બેટી પઢાઓના અનેક અભિયાનો છતા આજની 21મી સદીમાં પણ છેવાડાના માનવી સુધી જાગૃતતા ફેલાઇ નથી. આ વાતનું ઉદાહરણ આપતી ઘટના જૂનાગઢના ભેંસાણના ખંભાળિયા ગામમાં બની છે. અહીં એક પિતાએ પુત્રની ઘેલછામાં ત્રણ દીકરીઓની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ આસપાસ રહેતા ગામજનો તથા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો નોંધવાનું હાથ ધર્યું હતું. તો ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. 

પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે કે જૂનાગઢના ભેંસાણના ખંભાળીયા ગામમાં રહેતાં અને GDRમાં ફરજ બજાવતા રસીક સોલંકીને ત્યાં સંતાનમાં ત્રણ દીકરીઓ હતી, 15 દિવસ પહેલા જ રસીકને ત્યાં ચોથી દીકરીનો જન્મ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે પુત્ર પ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ ન થતાં રસીક આઘાતમાં સરી પડ્યો અને ત્રણ દીકરીઓ 7 વર્ષની અંજલિ, 8 વર્ષની રીયા અને 3 વર્ષની જલપાને નજીક આવેલા કૂવામાં ફેંકી હત્યા કરી હતી. બાદમાં પોતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ મૃત્યુ ન થતા ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બીજી બાજુ ચાર વ્યક્તિના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે. જો કે આપઘાત પાછળ આ જ કારણ હતું કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.