એક પુત્રીએ સામેથી દહેજમાં માગી એવી વસ્તુ કે પિતાએ ગાડું ભરીને આપી

આધુનિક સમાજ માટે પ્રેરણારૂપ દાખલો

એક પુત્રીએ સામેથી દહેજમાં માગી એવી વસ્તુ કે પિતાએ ગાડું ભરીને આપી

Mysamachar.in-રાજકોટઃ

કહેવાય છે કે જીવનનું સાચુ માર્ગદર્શન પુસ્તક સિવાય બીજું કોઇ ન કરી શકે છે. હાલ લગ્નની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે.રાજ્યમાં હજારો યુવક-યુવતીઓ દાંપત્યજીવનની શરૂઆત કરી રહી છે, ત્યારે રાજકોટમાં એક દીકરીએ પિતા પાસે સામેથી દહેજમાં એક એવી વસ્તુ માગી કે પિતાએ હોંશે હોંશે માગણી પૂર્ણ કરી. પુત્રીએ પોતાના વજન જેટલાં પુસ્તકો કરિયાવરમાં આપવા ઇચ્છા વ્યક્ત કરી અને શિક્ષક પિતાએ પુત્રીના શબ્દોને વધાવી લીધા, 2200 પુસ્તકો ગાડામાં ભરીને પિતા પુત્રીને સાસરે વળાવશે.

વાત એવી છે કે રાજકોટમાં રહેતા શિક્ષક હરદેવસિંહ જાડેજાની પુત્રી કિન્નરીબાના લગ્ન વડોદરામાં રહેતા ભગીરથસિંહ સરવૈયાના પુત્ર અને હાલમાં કેનેડા રહેતા એન્જિનિયર પૂર્વજિતસિંહ સાથે નક્કી થયા છે. પિતા શિક્ષક હોવાથી તેના ગુણ દીકરીમાં આવે એ સ્વાભાવિક છે, કિન્નરીબાને બાળપણથી જ પુસ્તક પ્રત્યે ખાસ લગાવ રહ્યો છે. એકવાર કિન્નરીબાએ તેમના પિતા હરદેવસિંહને કહ્યું કે,‘મને કરિયાવરમાં મારા વજન જેટલાં પુસ્તકો આપજો’, દીકરીની વાત સાંભળી પિતા ગળગળા બની ગયા, પુત્રીની ઇચ્છા તો પૂરી કરવી જ હતી પરંતુ પુસ્તકપ્રેમી પુત્રી આશ્ચર્યચકિત થઇ જાય તેટલા અને તેવા પુસ્તકો આપવાનો તેમણે નિર્ધાર કરી લીધો અને સરપ્રાઇઝરૂપે પુસ્તકો ભરેલું ગાડું પુત્રી સમક્ષ રજૂ કરશે.

પિતા શિક્ષક હરદેવસિંહે દીકરીને કેવા પુસ્તકો આપવા તેની યાદી તૈયાર કરી અને છેલ્લા છ મહિનામાં દિલ્હી, કાશી અને બેંગ્લોર સહિતના શહેરોમાં ફરી પુત્રીના કરિયાવર માટે 2200 પુસ્તકો એકત્રિત કર્યા. હરદેવસિંહ જાડેજાનું કહેવું છે કે એ મહર્ષિ વેદ વ્યાસથી લઇ પ્રવર્તમાન લેખકોના અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાના પુસ્તકો તેમણે ખરીદ કર્યા છે, કિન્નરીબાને પોતે કરિયાવરમાં કુરાન, બાઇબલ અને 18 પુરાણ સહિતના પુસ્તકો ભેટ ધરશે. આજે સાંજે પુત્રીને સાસરે વિદાય કરાશે ત્યારે પિતા હરદેવસિંહ સરપ્રાઇઝરૂપે પુસ્તકો ભરેલું ગાડું પુત્રી સમક્ષ રજૂ કરશે.