આવી હાલત છે ખેડૂતોની, વળતર માટે દંપતીએ સમાધિ લીધી

અનોખો વિરોધ

આવી હાલત છે ખેડૂતોની, વળતર માટે દંપતીએ સમાધિ લીધી

Mysamachar.in-રાજકોટઃ

એક તરફ કુદરત રીસાણી છે, તો એટલું ઓછું હોય એમ આડેધડ વીજ લાઇનો નાખતી કંપની દ્વારા કનડગત કરવામાં આવી રહી છે. જેના કારણે ધરતીપુત્રોની હાલત કફોડી બની છે, જેતપુરના દેવકી ગાલોલ ગામમાં ખેડૂતો દ્વારા જેટકો કંપનીનો અનોખો વિરોધ કરવામાં આવ્યો, જેમાં એક ખેડૂત દંપતીએ કપાસના પાક વચ્ચે જમીનમાં દટાઇને પ્રતિક સમાધિ લઇ લીધી. આ ગામના ખેડૂતોનું કહેવું છે કે કપાસના ઉભા પાકમાં વીજ પોલ નાંખી દેવામાં આવ્યા, જેના કારણે જમીન ખેદાન-મેદાન કરી નાખી. વીજ પોલ નાખ્યા ત્યાં સુધી તો વાંધો નહીં પરંતુ ખેડૂતોને નુકસાની પ્રમાણે વળતર પણ ન ચૂકવ્યું જેના કારણે વિરોધ કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જેટકો કંપની દ્વારા દેવકી ગાલોલ ગામે વિરોધ છતાં પોતાની મનમાનીરૂપે ઉભા પાકને ઉખેડી 66 કેવીની વીજ લાઇનનો વીજ પોલ નાંખવામાં આવ્યો, આ કામગીરીથી ખેતરમાં ઉભા પાકને તો નુકસાની પહોંચી પરંતુ જમીન પણ ખેદાન-મેદાન કરી નાખવામાં આવી. ગામલોકો પહેલાથી જ આ વીજ લાઇનો નાખવાનો વિરોધ કરવામાં આવતો હતો, પરંતુ ગેટકો કંપની દ્વારા પોલીસ રક્ષણ મેળવી લેવામાં આવ્યું અને પોલીસ રક્ષણ સાથે બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવી. પોતાની હૈયા વરાળ કોઇ ન સાંભળતા અંતે ખેડૂત દંપતીએ પોતાના ખેતરમાં પ્રતિક સમાધિ લઇ લીધી, જેમાં માત્ર મોઢાનો ભાગ ખુલ્લો છે, બાકી આખુ શરીર જમીનમાં દાટી દીધું છે. ખેડૂતો દ્વારા કંપની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સરકાર આ ખેડૂતો ની વાત ક્યારે સાંભળશે તે જોવું રહ્યું.