જામનગર: જીવંત વીજવાયર પડતા એક બાળકનું મોત, એક ઈજાગ્રસ્ત

લોકોમાં ઉગ્ર રોષ...

જામનગર: જીવંત વીજવાયર પડતા એક બાળકનું મોત, એક ઈજાગ્રસ્ત
તસ્વીર અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

જામનગરમાં વીજધાંધીયા માટે જાણીતા પીજીવીસીએલનું તંત્ર કેટલું નઘરોળ છે, તેનો વધુ એક નમુનો આજે સામે આવ્યો છે, શહેરના રણજીતસાગરરોડ પર આવેલ સુભાષપાર્ક વિસ્તારમાં આજે સવારના સમયે એકાએક જીવંત વીજવાયર નીચે પડતા એક બાળકનું મોત થયું છે, જયારે અન્ય એક સ્થાનિક ઈજાગ્રસ્ત બનતા તેને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, કરુણતા એ હતી કે આટલી મોટી ઘટના બાદ જયારે લોકો પીજીવીસીએલ કચેરીમાં ફોન કરતા હતા તો કોઈ ફોન રીસીવ કરનાર એટલા માટે નહોતું કેમ કે કર્મચારીઓ ચા પીવા ચાલ્યા ગયા હોવાની ખુદ કબુલાત કરે છે,

બાઈની વાડી વિસ્તારમાં વસવાટ કરતો પ્રદીપ મકવાણા નામનો ૧૦ વર્ષીય બાળક ગઈકાલે સુભાષપાર્ક વિસ્તારમાં રહેતા તેના માસીના ઘરે રોકાવવા માટે ગયો હતો, જ્યાં આજે સવારે તેના પર જીવંત વીજવાયર પડતા તેને તાત્કાલિક સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું, તો પ્રદીપને વીજશોક લાગતો જોઈને તેને બચાવવા માટે ગયેલા ૪૫ વર્ષીય અમરશીભાઈને પણ વીજશોક લાગતા તેવોની સારવાર હાલ જી.જી.હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ ઘટના બાદ સ્થળ પર હાજર સ્થાનિકોનો આક્ષેપ છે કે લાઈન બંધ કરવા માટે પીજીવીસીએલની કચેરીને અનેક ફોન કરવા છતાં પણ કોઈએ ફોન જ ન ઉપાડ્યા અને જ્યારે રૂબરૂ સ્થાનિકો પીજીવીસીએલ કચેરી ખાતે પહોચ્યા ત્યારે હાજર કર્મચારીઓંએ ચા પીવા ગયા હતા તેવો જવાબ આપતા સ્થાનિકો રોષે ભરાયા હતા,અને પીજીવીસીએલ કચેરી બહાર સુત્રોચ્ચાર કરી અને બેદરકાર કર્મચારીઓ અને અધિકારી સામે પગલા લેવાની પણ માંગ કરી હતી.