ભાડાના પ્લોટ ખાલી કરવાની નોટિસથી લઘુ ઉદ્યોગકારોમાં ફફડાટ

એસોશિએશન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

ભાડાના પ્લોટ ખાલી કરવાની નોટિસથી લઘુ ઉદ્યોગકારોમાં ફફડાટ

Mysamachar.in-જામનગરઃ 

છેલ્લા 35 વર્ષથી ઉદ્યોગ ચલાવતા ભાડુઆતી ઉદ્યોગકારોને અચાનક જગ્યા ખાલી કરાવવાની નોટિસથી નાના ઉદ્યોગકારોમાં ભયની લાગણી પ્રવર્તી છે. ઉદ્યોગનગર કચેરીના પ્રાદેશિક મેનેજર દ્વારા ભાડુઆતી જગ્યા ખાલી કરાવવાની નોટિસ ફટકારવામાં આવતા જામનગર ફેક્ટરી ઓનર એસોશિએશને લડત શરૂ કરી છે. પાંચથી છ જેટલા નાના ઉદ્યોગોના માલિકોએ જામનગર ફેક્ટરી ઓનર એસોશિએશનને જણાવ્યું કે તેઓને ઉદ્યોગનગર કચેરીના પ્રાદેશિક મેનેજર દ્વારા ભાડુતી જગ્યા ખાલી કરાવવાની નોટિસ મળી છે. ત્યારે ઓસોશિએશને મંત્રીઓથી લઇને ગાંધીનગર સુધી આ વાતની જાણ કરી છે. એસોશિએશનનું કહેવું છે કે છેલ્લા 35 વર્ષથી ભાડુતી જગ્યામાં તેઓ ઉદ્યોગ ચલાવી રોજીરોટી મેળવી રહ્યાં છે, હવે અચાનક તેઓને જગ્યા ખાલી કરાવવાની નોટિસ મળતા તેમના રોજગાર પર તરાપ મરાતી હોવાનું લાગી રહ્યું છે. વર્ષોથી સ્થાઇ થયેલા ઉદ્યોગો અચાનક બંધ થશે તો મોટા પ્રમાણમાં બેરોજગારી સર્જાશે જેના કારણે અનેક પરિવારોની રોજીરોટી અટકી જવાનો ભય છે.

જામનગર ફેક્ટરી ઓનર એસોશિએનશ દ્વારા મંત્રીથી લઇને ગાંધીનગર સુધી પત્ર લખી અરજી કરવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ગણેશ મેટલ પ્રોડક્ટ, જય ખોડિયાર ઇલેક્ટ્રીક, ગણેશ મેટલ કોર્પોરેશન, આશિષ ઇલેક્ટ્રોપ્લેટર્સ, હિતેન એન્ટરપ્રાઇઝ તથા જીજ્ઞેશ અને વિઠલ મોહન પટેલ તરફથી એસોશિએશનને ફરિયાદ મળી છે કે ઉપરોક્ત એકમો ઉદ્યોગનગરમાં પ્લોટ નં 456માં છેલ્લા 35 વર્ષથી ભાડુઆત તરીકે તેમના ઉદ્યોગીક એકમો ચલાવે છે. ત્યારે આ ભાડુઆતી જગ્યા ખાલી કરાવવા માટે પ્લોટ નં 456ના મૂળ માલિક સાથે નિગમની સ્થાનિક કચેરીના પ્રાદેશિક મેનેજર દર્શન ઠક્કરે મોટી રકમના સેટિંગો કરી અમારા એકમો ખાલી કરાવવાની નોટિસો પાઠવી છે. આ નોટિસોને કારણે નાના ઉદ્યોગકારોમાં ભયની લાગણી ફેલાઇ છે.

આ મુદ્દે જે એકમોને નોટિસ મળી છે તેઓએ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને રજૂઆત કરી હતી, ત્યારબાદ રાજ્યમંત્રીએ પ્રાદેશિક મેનેજરને લઘુઉદ્યોગકારોને કનડગત ન કરવા સૂચના આપી હતી, તેમ છતા મંત્રીના આદેશને અવગણીને પ્રાદેશિક મેનેજર દ્વારા ફરી આ નાના ઉદ્યોગકારોને ભાડુતી જગ્યા ખાલી કરાવવાની નોટિસ પાઠવવામાં આવી છે. ફેક્ટરી એસોશિએશને વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું કે ઔદ્યોગિક વસાહતોમાં 80 ટકા જેટલા ઉદ્યોગકારો ભાડુઆત હોય છે. ત્યારે ઔદ્યોગિક વસાહતમાં નાના ઉદ્યોગકાર ભાડુઆત તરીકે એકમ ચલાવતા હોય છે. પરંતુ ખરીદદારો ભરેલ કબજે પ્લોટ/શેડ મેળવી નિગમના અધિકારી સાથે સાંઠગાંઠ કરી જગ્યા ખાલી કરાવવાનું મોટું કૌભાંડ ચલાવી રહ્યાં છે. એક તરફ સરકાર ઉદ્યોગજગતને સહાયભૂત થવા મોટી રાહતોની જાહેરાત કરે છે, તો બીજી બાજુ નિગમના અધિકારી ભ્રષ્ટાચાર આચરવાના આશયથી નાના ઉદ્યોગકારોને કનડગત કરી રહ્યાં છે. ત્યારે આ નાના ઉદ્યોગકારોને આપવામાં આવેલી નોટિસ રદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.