બે વર્ષમાં કરોડપતિ બની ગયો એકાઉન્ટન્ટ, પછી ફૂટ્યો ભાંડો

કાકા-પિતાના બેંક ખાતામાં કર્યા પૈસા ટ્રાન્સફર

બે વર્ષમાં કરોડપતિ બની ગયો એકાઉન્ટન્ટ, પછી ફૂટ્યો ભાંડો

Mysamachar.in-જામનગરઃ

જામનગરમાં ગુજરાત ફર્ટીલાઇજર ડીલર્સ એસોશિએશનની ઓફિસમાં રૂપિયા 2,79 કરોડની છેતરપીંડિ કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. આ છેતરપીંડિ અન્ય કોઇ નહીં પરંતુ કંપનીની ઓફિસમાં જ એકાઉન્ટીંગ અને ઓફિસવર્ક કરતાં વ્યક્તિએ કરી હોવાનું ખુલ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પંચેશ્વર ટાવર ખાતે રહેતો ગૌરવ મહેતા જામનગર સ્થિત ગુજરાત ફર્ટીલાઇજર ડીલર્સ એસોશિએશન ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો, બાદમાં ઝડપથી પૈસાવાળા બનવાની લાયમાં ગૌતમે વર્ષ 2017થી કંપનીના આર્થિક લેવડ દેવડમાંથી કટકી કરવાનું શરૂ કર્યું. કંપનીના રૂપિયા કટકી કરી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતો, કંપનીને જાણ ન થયા એ માટે તે એકાઉન્ટમાં સેટલમેન્ટ પણ કરી દેતો, આવી રીતે ધીમે ધીમે તેણે પોતાના પિતા અને કાકાના બેંક ખાતામાં પણ પૈસા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું. 

ભેજાબાજ ગૌરવે કટકે કટકે રૂપિયા 2,79 કરોડની માતબર રકમ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી નાણાની ઉચાપત કરી લીધી. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ફર્ટીલાઈજર ડીલર્સ એસોસીએશન જામનગર કંપનીના એકાઉન્ટમાં કાંઇક ખોટું થયાનો અંદાજ આવી ગયો. બાદમાં તપાસ કરતાં એકાઉન્ટીંગ તરીકે નોકરી કરતા ગૌરવ દ્વારા છેતરપીંડિ આચરવામાં આવી હોવાનું સામે આવતાં કંપનીના અન્ય કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં સમગ્ર બાબતે કંપનીના કાન્તીલાલ ગલાણીએ જામનગર સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી ગૌરવ, તેના પિતા અને કાકા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.