જો તમારો ફોન થઇ જાય ગુમ તો પણ રાખજો ધ્યાન,
જામનગરમાં સામે આવ્યો કિસ્સો..

Mysamachar.in-જામનગર:
આજના આધુનિક યુગમાં દિવસે ને દિવસે જેમ ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તેમ તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે, ચબરાક શખ્સો નિતનવા કીમીયાઓ શોધીને યેનકેન પ્રકારે ઓનલાઈન છેતરપીંડી કરતા હોય છે, તેમાં તમારો ગુમ કે ચોરી થયેલા મોબાઈલનો ઉપયોગ પણ થાય માટે સાવધાની છે જરૂરી...આ તમામ વચ્ચે પણ સાઈબરસેલની ટીમો હવે ખુબ જાગૃત બની અને આધુનિક સોફ્ટવેર સહિતની મદદથી આવા ચીટીંગ કરનાર લોકો સુધી ગણતરીની કલાકોમાં જ પહોચી જાય છે, જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક યુવાનના બાઇકમાંથી બે માસ પુર્વે મોબાઇલની ચોરી થયા બાદ તેના મોબાઈલમાં રહેલા ડીજીટલ કાર્ડનો ઉપયોગ કરી એક શખ્સે મોંઘાદાટ આઇફોનની ઓનલાઇન ખરીદી કર્યાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસે આઇટી એકટ હેઠળ ગુનો નોંધી ટેકનીકલ સર્વેલન્સ કરીને આ ફ્રોડનો પર્દાફાશ કરી નાખ્યો છે.
ગુલાબનગરમાં રહેતા ભાવીન પંડયાના બાઇકમાંથી બે માસ પુર્વે એક મોબાઇલ ફોનની ચોરી થઇ હતી.ત્યારબાદ આ ચોરાઉ ફોનનો ઉપયોગ કરી ઉઠાવગીરએ મોબાઈલમાં રહેલા ડીજીટલ કાર્ડના માધ્યમથી કપટભરી રીતે ઓળખનો દુરૂપયોગ કરી ૭૦,૦૦૦ની કિંમતના આઇફોનની પણ ઓનલાઇન ખરીદી કર્યાનો બનાવ સામે આવ્યો છે.જેનો ફોન હતો તેના ખાતામાંથી માતબર રકમ ઉપડી જતા પોતાની સાથે છેતરપીંડી થયાનુ માલુમ પડયુ હતુ. જે બાદ જામનગર સાઈબરસેલ દ્વારા આ મામલે તપાસ શરૂ કરાઇ હતી જેમાં રાહુલ ગોસાઇ નામના શખ્સની સંડોવણી સામે આવી હતી.જેથી શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે સીટી બી ડીવીઝનને સોંપેલ છે, આ કાર્યવાહી સાઈબરસેલના ઇન્ચાર્જ પી.આઈ.યુ.એચ.વસાવા, એએસઆઈ સુનીલ કાંબલીયા, બીપીન દેશાણી, ધર્મેશ વનાણી અને કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.