રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ કરવાનો સરકારનો નિર્ણય

CMએ ઐતિહાસિક નિર્ણય ગણાવ્યા

રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ કરવાનો સરકારનો નિર્ણય
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ ઐતિહાસિક નિર્ણય લેવાયાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 16 જેટલી RTO ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવી, તો સાત જેટલી સેવાઓ ઓનલાઇન શરૂ કરવામાં આવી છે, સાથે જ લર્નિંગ લાયસન્સ ઝડપથી નીકળી જશે. 20 નવેમ્બરથી સરકારે નાબૂદ કરેલી 16 ચેકપોસ્ટ પર વાહનચાલકે ઉભા રહેવાની જરૂર નહીં રહે. ચેકપોસ્ટ પર થતી દંડની કાર્યવાહી હવે ઓનલાઇન કરવામાં આવશે, નાબૂદ કરાયેલી ચેકપોસ્ટમાં આ અંગે રૂપાણીએ જણાવ્યું કે અમે આ નિર્ણય લેતા પહેલા 10થી વધુ મિટિંગો કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે લાખોની સંખ્યામાં લોકો RTO કચેરીએ ધક્કા ખાવા પડતા હતા. કચેરીમાં કામનું ભારણ વધુ હોવાને કારણે કામગીરીમાં સમય લાગતો હતો, પરંતુ હવે ઓનલાઇન પ્રક્રિયા અને લર્નિંગ લાયસન્સ ITIમાંથી નીકળતા કામગીરી ઝડપી બનશે.

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંતર્ગત 25 નવેમ્બરથી 16 ચેક પોસ્ટ નાબૂદ કરવામાં આવશે, તેમજ 221 આઈટીઆઈ અને 29 પોલિટેકનિકમાંથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. 15 નવેમ્બરથી લર્નિંગ લાયસન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય પાછળનો હેતુ નાગરિકોને આરટીઓમાં ધક્કા ખાવા નહીં પડે તો સાથે જ ભ્રષ્ટાચાર પણ અટકાવવાનો હોવાનું મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું. આ સિવાય જણાવવામાં આવ્યું કે વાહન ચાલકો ટેક્સ અને ફી parivahan.gov.in પર ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. અત્યારસુધીમાં ચેકપોસ્ટ પર રૂપિયા  332 કરોડની આવક હતી. જે હવે ઓનલાઈન સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ ચેકપોસ્ટ બંધ કરાશે

રાજ્યમાં હાલ અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખીયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઈ ખાતે ચેકપોસ્ટ કાર્યરત છે.