વિદ્યાર્થિનીઓ-શિક્ષિકાની તસ્વીરો પોર્ન સાઇટ પર મૂકાઇ !

જાણો શું છે સમગ્ર મામલો

વિદ્યાર્થિનીઓ-શિક્ષિકાની તસ્વીરો પોર્ન સાઇટ પર મૂકાઇ !
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-જૂનાગઢઃ

જૂનાગઢમાં એક એન્જિનિયરિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ અને લેડીઝ સ્ટાફની તસ્વીરો પોર્ન સાઇટ પર મૂકાતા ભારે ચર્ચા જાગી છે. સમગ્ર બાબતે કોલેજ મેનેજમેન્ટે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જાણવા મળ્યું કે આ તસ્વીરો મૂકનાર બીજું કોઇ નહીં પરંતુ આ જ કોલેજમાં ડિપ્લોમામાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ જ પોર્ન સાઇટ પર આ તસ્વીરો અપલોડ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલા જ કોલેજના લેડીઝ સ્ટાફ અને 17 વિદ્યાર્થિનીઓએ રજૂઆત કરી હતી કે કોઇએ તેમના નામ, મોબાઇલ નંબર અને ફોટો સહિતની માહિતી સોશિયલ મીડિયા તેમજ પોર્ન સાઇટ પર અપલોડ કરી છે. આ અંગે કોલેજ તરફથી પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ત્યારાબાદ સાયબર સેલે તપાસ કરી જાણવા મળ્યું કે આ માહિતી ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ અપલોડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પોર્ન સાઇટ પર તસ્વીરો પોસ્ટ કરનાર વિદ્યાર્થીએ થોડા સમય પહેલા જ કોલેજ છોડી દીધી છે. યુવાનોમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો કેવો કેવો ગેરઉપયોગ થઇ રહ્યો છે તેનું ઉદાહરણ આ ઘટના પુરુ પાડે છે. એવામાં સ્કૂલ કોલેજમાં આવી ઘટના બનતી રોકવા માટે જરૂરી પગલા લેવામાં આવે તેવી વાલીઓમાં માગ ઉઠવા પામી છે.