હવે મસમોટા નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ

શિક્ષણનો ધંધો !

હવે મસમોટા નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ

Mysamachar.in-આણંદઃ

શિક્ષણ નગરી તરીકે ઓળખાતા વિદ્યાનગરમાં મસમોટા નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. આણંદના વિદ્યાનગર-બાકરોલ રોડ પરથી સરદાર પટેલ યુનિવર્સિટી સહિત ગુજરાતની અનેક જાણીતી યુનિવર્સિટી તથા મહારાષ્ટ્રની બોગસ માર્કશીટ બનાવવાનું આંતરરાજ્ય કૌભાંડ પકડાયું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા 4 શખ્સની ધરપકડ કરી દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ વગેરે મળી કુલ રૂપિયા 81 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ માત્ર 85 હજાર રૂપિયામાં માગો એ શૈક્ષણિક સંસ્થાના દસ્તાવેજો બનાવી આપતાં હતા. આ કૌભાંડમાં હજુ પણ વડોદરા અને નવસારીના કેટલાક શખ્સો વોન્ટેડ જાહેર કરાયા છે, ત્યારે સમગ્ર કૌભાંડની તપાસનો છેડો રાજ્યભરમાં ફેલાયેલો હોવાની શંકા સેવાઇ રહી છે.

વિદ્યાનગર પોલીસને અગાઉથી મળેલી બાતમીને આધારે સાઈબર એક્સપર્ટને સાથે રાખી દરોડા પાડ્યા હતા, જેમાં 17 જેટલી નકલી માર્કશીટ સાથે આ કૌભાંડને અંજામ આપનાર ધવલ પટેલ (રહે. માયાશેરી, સારસા) અને અમરીશ પટેલ (રહે. પેટલાદ) મળી આવ્યા હતા. પોલીસને ઓફિસમાંથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્કેન કરેલી, એડિટ કરી શકાય તેવી માર્કશીટ અને શૈક્ષણિક દસ્તાવેજો મળી આવ્યા હતા. દસ્તાવેજો એડિટ કરવાનું ફોટોશોપ સોફ્ટવેર પણ મળ્યું હતું. ગુજરાત રાજ્યની સંસ્થાઓની મૌલિક ઉર્ફે ભીખા પટેલ (રહે. પેટલાદ) અને ગુજરાત બહારની શૈક્ષણિક સંસ્થાની માર્કશીટ નવસારીના હિરેન મૈસુરીયા પાસે બનાવતાતા હોવાની કબૂલાત કરી હતી. મૌલિક મહાદેવ એરિયા પાસે આવવાનો હોવાનું કહેતાં પોલીસે ત્યાંથી મૌલિક અને હિતેશ પટેલ (રહે. બ્રહ્મપોળ, રૂંદેલ, બોરસદ)ને પણ પકડી લીધા હતા. દોઢ મહિનાથી સમગ્ર રેકેટ ચલાવતા હોવાનું ખુલ્યું છે.

આવી રીતે બનાવતા નકલી માર્કશીટ

આરોપીઓ નકલી માર્કશીટ બનાવવામાં એટલા માસ્ટર હતા કે અસલી માર્કશીટની આબેહૂબ કોપી કરી લેતા, ઈલેક્ટ્રોનિક સિગ્નેચર તથા સિક્કા તથા ખોટી સહી કરી લપટોપમાં સોફ્ટવેર દ્વારા વિવિધ સંસ્થાનાં પ્રમાણપત્રો એડિટ કરતાં હતાં. આરોપીઓએ રાજ્યની અનેજ જાણીતી કોલેજ યુનિવર્સિટી જેવી કે સરદાર પટેલ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત માધ્યમિક બોર્ડ, દાદાભાઈ નવરોજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન તથા મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશનની અનેક નકલી માર્કશીટ બનાવી હોવાનું ખુલ્યું છે. પોલીસે 4 શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં હતા. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચારેય શખ્સોને કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.