પાણી ચોરી પ્રતિબંધનુ ફારસ..

કાયમી સિક્યુરિટીની જ નથી વ્યવસ્થા...

પાણી ચોરી પ્રતિબંધનુ ફારસ..
ફાઇલ તસ્વીર

Mysamachar.in-જામનગર:

એક તરફ પીવાના પાણીની કટોકટી સર્જાય છે બીજી તરફ પાણી ચોરીઓ થાય છે તેમ તંત્રએ સ્વીકાર્યુ છે. નર્મદા લાઇનમાંથી,ડેમ સાઇટ બોર કુવા કરીને,ડેમ માંથી પંમ્પીગ કરી અંડર ગ્રાઉન્ડ ટ્યુબ પાઇપ બિછાવી પાણી ચોરી થાય છે ત્યારે પાણી ચોરી ઉપર પ્રતિબંધ ફરમાવતા હુકમ થયા છે,આ હુકમ ફારસ રૂપ છે કેમકે ડેમસાઇટ અને ડેમલગત લાઇન સીક્યોરીટી માટે સ્ટાફ જ નથી.

ચાલુ વર્ષે જિલ્લામાં અમુક વિસ્તારમાં પીવાના પાણીના સંગ્રહ માટે પર્યાપ્ત વરસાદ થયેલ નહિ હોવાના કારણે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની જરૂરીયાતને અનુલક્ષીને નર્મદા ડેમનું પાણી પાઇપલાઇન મારફત જામનગર જિલ્લાને આપવાનું આયોજન થયેલ છે.નર્મદાનું પાણી કેનાલ એન.સી.-૮ હીરાપરથી જામનગર, એન.સી.-૧૮ જામનગરથી મોટી ખાવડી, એન.સી.-૨૦ હડાળાથી પાંચદેવડા તથા એન.સી.-૨૧ નાના પાંચદેવડાથી ગોવાણા પાઇપલાઇન મારફત જામનગર જિલ્લામાં જામનગર જિલ્લાના શહેરો તથા ગામોને પાણી પુરૂ પાડવામાં આવે છે.

આ યોજનાઓ દ્વારા અપાતા પાણીનું યોગ્ય વિતરણ થઇ શકે તેમજ પાણી પુરવઠામાં વિક્ષેપ ઉભો ન થાય તે માટે પાઇપલાઇન તથા આનુસાંગિક ઘટકો સંપ,  ડેમ કે ડેમ ના વિસ્તારો,પંપ હાઉસ, એર વાલ્વ, સ્ક્રાવર વાલ્વને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં ન આવે તેમજ પાણીની ચોરી તથા દુરઉપયોગ અટકાવી શકાય તે માટે જાહેરનામા દ્વારા જામનગર જિલ્લા વહીવટી તંત્રએ પ્રતિબંધ ફરમાવ્યો છે.

સિંચાઇ વિભાગની વાસ્તવિકતા જોઇએ તો જામનગર જિલ્લા સિંચાઈ વિભાગ હસ્તર ૨૬ ડેમો છે આ ડેમોની સાઈટ ઉપર માલ મટીરીયલ મશીનરી વગેરે હોય તેમજ ડેમસાઈટ પર ગેરકાયદે બોરકુવા અને ડેમમાંથી પાણી ચોરી ન થાય તે માટે સતત સીકયોરીટીની કાયમી સ્ટાફની વ્યવસ્થા થવી જોઈએ પરંતુ કાર્યપાલક ઈજનેરના જણાવ્યા અનુસાર કાયમી સીક્યોરિટી વ્યવસ્થા નથી,ચોમાસાની સીઝનમાં આઉટ સોર્સીગથી સમય મર્યાદા માટે સલામતી સ્ટાફની વ્યવસ્થા કરાય છે.બીજી તરફ જાણવા મળ્યા મુજબ હાલાર ને લગત દરેક ૩૫૦ કીમી જેટલી નર્મદા લાઇન માટે પણ સલામતીના આવા જ બેહાલ છે.