પ્રેમી યુગલની કુહાડીના ઘા ઝીંકી હત્યા

ચાર મહિના અગાઉ યુગલે કર્યા હતા પ્રેમલગ્ન

પ્રેમી યુગલની કુહાડીના ઘા ઝીંકી હત્યા

Mysamachar.in-જુનાગઢ

જૂનાગઢના વંથલીમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. વંથલી કેશોદ હાઈવે પર એક દંપત્તિની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે. ચાર મહિના અગાઉ આ યુગલે પ્રેમલગ્ન કર્યા હતા અને તેના કારણે જ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ એસ.પી. સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. જૂનાગઢ જીલ્લાના વંથલી ગામે કેશોદ હાઈવે પર સમી સાંજે એક દંપત્તિની હત્યા કરવામાં આવી હોવાની પોલીસને માહિતી મળી હતી. સંજય રામશી રામ અને ધારાબેન સંજયભાઈ રામ બાઈક પર જૂનાગઢ તરફ આવી રહ્યા હતા.

ત્યારે વંથલી નજીક હાઇવે પર બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બન્ને પ્રેમી યુગલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ પ્રેમી યુગલ માંગરોળ નજીકના દરસાલી ગામના હોવાનું અને ચારેક મહિના પહેલા પ્રેમલગ્ન કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ હત્યા પાછળનું કારણ પણ તેમના પ્રેમલગ્ન હોવાનું મનાય રહ્યું છે.પોલીસ આ ડબલ મર્ડર ના ગુન્હામાં વિશેષ તપાસ કરી અને આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.