સોશ્યલ મીડિયામાં અયોગ્ય કોમેન્ટ કરવી એક યુવકને પડી ભારે

એન્કરોને LIVE દરમ્યાન કરતો કોમેન્ટ

સોશ્યલ મીડિયામાં અયોગ્ય કોમેન્ટ કરવી એક યુવકને પડી ભારે
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

સોશ્યલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર કોમેન્ટ બોક્સ જોવા મળતું હોય છે, પણ આ કોમેન્ટ બોક્સમાં ક્યારે અને કેવા પ્રકારની કોમેન્ટ કરવી તે અંગે કેટલાક લોકો અજાણ હોય છે, તો કેટલાક જાણીજોઇને પણ અસભ્ય અને ના કરવી જોઈતી કોમેન્ટો કરતાં હોવાનું અનેક વાર સામે આવતું હોય છે, ત્યારે યુટ્યુબ પર ન્યૂઝ ચેનલોના એન્કરોને LIVE દરમ્યાન બિભત્સ કોમેન્ટ કરનાર એક શખ્સને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાઇબર સેલે ઝડપી પાડયો છે. 

સાઇબર ક્રાઇમ સેલમાં એક જાણીતી ન્યૂઝ ચેનલના એન્કરે ફરિયાદ આપી હતી કે ગત ફેબ્રુઆરી માસથી યુટ્યુબ પર LIVE ન્યૂઝ જોઈ અને પોતાને તથા અન્ય ન્યૂઝ ચૅનલના એન્કરને LIVE કોમેન્ટમાં એક શખ્સ બિભત્સ ભાષાનો ઉપયોગ કરી અને હેરાન પરેશાન કરી રહ્યો હોય,

જેની ફરિયાદને આધારે જરૂરી ટેક્નીકલ એનાલીસીસ કરતા રોશન મોહનલાલના ફેસબુક તથા યુટ્યુબ આઇ.ડી.વાળી વ્યક્તિ આ બિભત્સ પ્રકારની કોમેન્ટો કરી એન્કર્સને હેરાન કરતો હોવાનું જણાઈ આવેલ જે બાબતે જરૂરી ટેક્નીકલ એનાલીસીસ કરતા આ બિભત્સ કોમેન્ટ કરનાર રોશન મોહનલાલ પેરકુમારન, ભાવના ફ્લેટ્સ, નારાયણ નગર,પાલડી,અમદાવાદ શહેરનો હોવાનું સામે આવ્યું હતું.જેની તપાસ કરતા આરોપી મળી આવતા આરોપીને અટક કરવામાં આવેલ છે,આરોપીએ ગુન્હાના કામે ઉપયોગ કરેલ મોબાઈલ ફોન પણ કબ્જે કરવામાં આવેલ છે,

આરોપીની પૂછપરછ કરતા જાણવા મળેલ કે,આરોપીએ એસ.વાય.બીકોમ તથા કોમ્પ્યુટર ડીપ્લોમાનો કોર્સ કરેલ છે અને પોતાના ઘરેથી ગ્રાફીક્સને લાગતું જોબવર્ક કરે છે.અને પોતાને સરકારી નોકરી મળતી ન હોય અને રાજકીય પક્ષો ડીબેટમાં ખોટી ચર્ચાઓ કરી લોકોને ગેરમાર્ગે દોરતા હોય જેથી પોતે ડીપ્રેશનના કારણે આ ગંદી કોમેન્ટ કરેલાની કબૂલાત કરેલ છે.