જામફળની ખેતીથી પણ કરી શકાય છે લાખો રૂપિયાની કમાણી

દિવ્યાંગ યુવકની મહેનત રંગ લાવી

જામફળની ખેતીથી પણ કરી શકાય છે લાખો રૂપિયાની કમાણી

Mysamachar.in-પાટણઃ

કહેવાય છે કે સાહસ વિના સિદ્ધિ નથી, આ યુક્તિને સિદ્ધ કરી છે પાટણના એક દિવ્યાંગ યુવકે. પાટણમાં રહેતા એક હાથ એક પગના પંજા વગર 24 વર્ષિય દિવ્યાંગ યુવાન પાર્થ પટેલે બી.એસ.સી. એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા બાદ તેના પિતા દિનેશભાઈની નર્સરીમાં કામ શરૂ કર્યું. ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન લેવા માટે સરસ્વતિ તાલુકાના ચોરમારપુરા ખાતે અઢી વિઘા જમીનમાં 15 x 15 ના બ્લોકમાં 221 જેટલા તાઈવાન જામફળના છોડની વાવણી કરી. પ્રથમ તો જમીનમાં ખાડા કરી તેમાં છાણીયું ખાતર તથા બોનમીલ નાંખી પિયત આપ્યું. થોડા સમય બાદ તેમાં જામફળના છોડ રોપી ડ્રીપ ઈરીગેશન દ્વારા પાણી આપવાનું શરૂ કર્યું. માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં તાઈવાન જામફળના 221 છોડમાંથી 3000 કિલો ઉત્પાદન મેળવ્યું. ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર અને 200 ગ્રામથી 1 કિલો મોટા કદના ફળના બજારમાં રૂ.100 પ્રતિ કિલોનો ભાવથી ગ્રાહકો સીધા ખરીદી કરી જાય છે તેમાથી રૂ.3 લાખનું ઉત્પાદન મેળવ્યું. બીજા ચાર મહિનાના ગાળામાં બીજું ઉત્પાદન પણ લઈ શકશે.

પ્રથમ વર્ષે પ્લાન્ટ, ખાતર, મજૂરી તથા ડ્રીપ ઈરીગેશન સેટઅપ સહિતનો ખર્ચ બાદ કરતાં જામફળની ખેતીમાંથી રૂ.3 લાખના ઉત્પાદન સાથે રૂ.1.50 લાખ જેટલો નફો મેળવ્યો છે. 20 થી 25 વર્ષનું આયુષ્ય ધરાવતા જામફળના છોડમાં બીજા વર્ષથી ડ્રીપ ઈરીગેશન સેટઅપ અને પ્લાન્ટેશનનો ખર્ચ કરવાની જરૂરિયાત ન હોઈ નહિવત્ ખર્ચ થવાથી નફાનું પ્રમાણ પણ વધશે.નર્સરીના મધર બ્લોકમાં તાઈવાન જામફળની સાથે મલેશીયાથી મંગાવેલા રેડ મલેશીયન જામફળના સીડ્સમાંથી પ્રાયોગીક ધોરણે 18 જેટલા છોડ તૈયાર કર્યા છે. જ્યારે બીજા સીડ્સ અન્ય ખેડૂતોને પ્રયોગ માટે આપ્યા છે.