જામનગર સહિત રાજ્યભરના દારૂના અડ્ડા પર પોલીસને તૂટી પડવા આદેશ

માત્ર કાગળ પર જ કાર્યવાહી ન કરવાની સૂચના

જામનગર સહિત રાજ્યભરના દારૂના અડ્ડા પર પોલીસને તૂટી પડવા આદેશ

Mysamachar.in-ગાંધીનગરઃ

દારૂબંધીના રાજકીય નિવેદનો બાદ તંત્ર રંગમાં આવ્યું છે, ગુરુવારથી જામનગર સહિત રાજ્યભરમાં દારૂના દૂષણને ડામવા માટે કડક હાથે કામ લેવાનો આદેશ છેક ગાંધીનગરથી છૂટતા પોલીસ હવે દારૂના અડ્ડાઓ શોધવા કામે લાગી છે, જેમાં રાજ્યમાં તમામ જિલ્લાઓમાં સ્પેશિયલ રેઇડ કરવાના આદેશ આપવામાં આવ્યો છે. આ લેટરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે માત્ર કાગળ પર કેસ દર્શાવવા પૂરતી જ કાર્યવાહી ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ગાંધીનગરથી આદેશ મળ્યા બાદ LCB, ક્રાઇમ બ્રાંચ વગેરે પોલીસ શાખાઓ ગુરુવારથી એક સપ્તાહ સુધી દારૂ અને જુગારની સ્પેશિયલ રેઇડ ડ્રાઇવ યોજશે.

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા ગુજરાતમાં પોકળ દારૂબંધી અંગે કરવામાં આવેલ નિવેદન બાદ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે હવે રાજ્યની તમામ પોલીસને દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડાની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર પોલીસ ભવનથી ફેક્સ કરી આદેશ અપાયા છે. બુધવારથી એક સપ્તાહ સુધી સ્પેશ્યલ ડ્રાઇવ ફેક્સમાં જણાવવામાં આવ્યુ છે કે રાજ્યમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસની તમામ એજન્સીઓ દ્વારા બુટલેગરો, જુગારીઓ તથા શંકાસ્પદ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવે. આ સ્પેશ્યલ ડ્રાઇવ ગુરુવારથી એક સપ્તાહ સુધી ચાલશે. જ્યાં બુટલેગરો સાથે સ્થાનિક પોલીસની સાંઠગાંઠની શંકા જણાય ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના પણ કરવામાં આવી છે. સાથે જ રોજની કામગીરીનો રિપોર્ટ dgp ને મેલ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

'માત્ર કાગળ પર જ કાર્યવાહી ન બની રહે'

આદેશમાં સૂચના આપવામાં આવી છે કે, સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન અસરકારક કામગીરી કરવામાં આવે અને આ કામગીરી માત્ર કાગળ પરની કામગીરી બનીને ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. કામગીરીની તમામ વિગતો દરરોજ સ્ટેટ કંટ્રોલ રૂમને પહોંચાડવા જણાવાયું છે. આ કાર્યવાહીની વચ્ચે કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યાં છે. ગુરુવારે કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટર મૂકી આરોપ લગાવ્યો કે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અમદાવાદમાં આવેલા વટવા વિસ્તારમાં સિંગરવામાં ખુલ્લેઆમ મહિલાઓ દ્વારા દારૂ વેચવામાં આવી રહ્યો છે.