જાણો કેવી હશે સાળંગપુરમાં મૂકવામાં આવનારી હનુમાનજીની નવી પ્રતિમા

દેશમાં ક્યાંય આ પ્રકારની પ્રતિમા નથી

જાણો કેવી હશે સાળંગપુરમાં મૂકવામાં આવનારી હનુમાનજીની નવી પ્રતિમા

Mysamachar.in-બોટાદઃ

ગુજરાતના બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત જગપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ખાસ પ્રસંગ યોજાયો, જે અંતર્ગત મંદિરમાં હનુમાનજી મંદિરમાં મૂકવામાં આવનારી 54 ફૂટ ઊંચી પ્રતિમાનું ખાતમહુર્ત કરવામાં આવ્યું છે. મંદિર વિભાગના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ પ્રથમ એવી પ્રતિમા હશે જે સોલિડ બ્લેક ગ્રેનાઇટની હશે. આ પ્રતિમાનું મંદિર વિભાગ દ્વારા ખાતે મહુર્તના પ્રસંગની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી છે. વિક્રમ સંવત 1905થી અહીં બીરાજતા કષ્ટભંજન દેવના મંદિરે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. 170 વર્ષ જૂના આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તેની સ્થાપના ભગવાન સ્વામીનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરાઈ છે. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનનો કેટલોક સમય અહીં વિતાવ્યો હતો. તો આગામી હનુમાન જયંતિ સુધીમાં નવી પ્રતિમાનું કામ પૂર્ણ થઇ જશે તેવું કહેવામાં આવી રહ્યું છે. 

સાળંગપુર મંદિરે રાજ્ય સહિત દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. મંદિર પરિસરમાં એક સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. જેમાં એક સમયે ભગવાન સ્વામીનારાયણે ઉપયોગમાં લીધેલી વસ્તુઓ રાખવામાં આવેલી છે, જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. તો અહીં આવેલા નારાયણ કુંડમાં ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરતા હતા. એવું પણ કહેવાય છે કે એક વખત હનુમાનજી અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં હનુમાનજીથી બચવા માટે શનિદેવે સ્ત્રી રૂપ ધારણ કર્યું હતું. શનિદેવને હનુમાનજીએ સ્ત્રી રૂપમાં પોતાના પગ નીચે દબાવી દીધા હતા, આ અનોખી મૂર્તિ સાળંગપુરમાં બિરાજમાન છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવા માટે દરરોજ અંદાજે ચારથી પાંચ હજાર શ્રદ્ધાળુઓ આવે છે.તો મંગળવાર અને શનિવારના રોજ શ્રદ્ધાળુઓની સંખ્યા 14 હજાર જેટલી હોવાનું કહેવામાં આવે છે.