શું તમારે માણવી છે ક્રૂઝની મજા, તો વાંચી લો આ માહિતી

જામનગરમાં ક્રૂઝ ટર્મિનલ બનશે

શું તમારે માણવી છે ક્રૂઝની મજા, તો વાંચી લો આ માહિતી
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-જામનગરઃ

ભૌગોલીક દ્રષ્ટીએ ગુજરાતના ફાળે આમ તો મહત્વનો દરિયાકાંઠો આવ્યો છે. જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, માંડવીનો સમાવેશ થાય છે, આ બધા જિલ્લા વચ્ચે હાઇવેથી અંતર ખુબ જ દૂર છે પરંતુ દરિયાઇ અંતર ખૂબ જ ઓછું છે. આ દરિયાઇકાંઠે પ્રવાસનની દ્રષ્ટીએ જોઇએ એટલો વિકાસ થયો નથી, જો કે લક્ઝરી ક્રૂઝ સેવા શરૂ કરવાની વિચારણા ચાલી રહી હોવાનું કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે. તેઓનું કહેવું છે કે મુંબઇના જાણીતા ક્રૂઝ ઓપરેટર આંગ્રીયા ક્રૂઝે ગુજરાતના ફરવાલાયક સ્થળો જેવા કે સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર દરિયાઇ વિસ્તારમાં પણ ક્રૂઝ સેવા શરૂ કરવા ઇચ્છા વ્યક્ત કરી છે. જો આ શક્ય બન્યું તો ટૂરિસ્ટો દ્વારકાથી ગીર સોમનાથ, દીવ સુધી લક્ઝરી ક્રૂઝ સેવાની મજા માણી શકે છે.

થોડા સમય પહેલા જ મુંબઇમાં ક્રૂઝ ટૂરિઝમને લઇને વર્કશોપ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયા સાથે આંગ્રિયા ક્રૂઝના પ્રતિનિધિઓએ ચર્ચા કરી હતી. ચર્ચા બાદ માંડવિયાએ જણાવ્યું કે ક્રૂઝ સંચાલકોએ ડિસેમ્બરથી મુંબઇ અને દીવ વચ્ચે ક્રૂઝ સર્વિસ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. હજીરા-બાંદ્રા ફેરી સર્વિસ થોડા દિવસમાં શરૂ થઇ શકે છે. આ ઉપરાંત દહેજ અને મુંબઇ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ કરવા માટે શિપિંગ મંત્રાલયે ખાનગી ઓપરેટરોનો સંપર્ક કર્યો છે.  છેલ્લા કેટલાક સમયથી દ્વારકા, સોમનાથ, પોરબંદર અને માંડવી ટૂરિસ્ટો માટે ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. જો આ વિસ્તારમાં ક્રૂઝ ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવામાં આવે તો આ પ્રોજેક્ટ સફળ થઇ શકે તેમ છે. રાજ્યમાં બંદરોનું નિયંત્રણ કરતા ગુજરાતના મેરિટાઇમ બોર્ડ પાંચ બંદરો પર ક્રૂઝ ટર્મિનલ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે. મુંદ્રા, માંડવી, ઓખા, વેરાવળ અને જામનગરમાં ક્રૂઝ ટર્મિનલ બનશે.