રાષ્ટ્રીય પક્ષીના મોત મામલે કંપની સામે ફોજદારી કરો..

જામજોધપુરના ચુરની ઘટના..

રાષ્ટ્રીય પક્ષીના મોત મામલે કંપની સામે ફોજદારી કરો..

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામા રાષ્ટ્રીય પક્ષીના મોત અંગે જવાબદાર કંપની સામે ફોજદારી કરવા પોલીસ સ્ટેશનમા વિધીવત અરજી દાખલ થઇ છે,જામજોધપુરના ચુર ગામમાં ઓપેરા વિન્ડફાર્મનુ કામ ચાલે છે,તેના પાવર ઉત્પાદન વહનની લાઇનો નંખાયેલી છે,જે વીજ પોલ અને વીજ વાયરમા કરંટ આવતા હોય છે,


ત્યારે ગઈકાલે સવારે આઠેક વાગ્યે ધડાકા જેવો અવાજ થતા ગ્રામજનો દોડી આવેલા અને ત્યા જોયુ તો બે મોર આ વીજકરંટવાળી લાઇનથી અથડાઇ મૃત્યુ પામી પડેલા હતા,માટે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી,સમગ્ર મામલે રાષ્ટ્રીય પક્ષી મોરના અકાળે મોત થયા હોઇ સરપંચ દિનેશસિંહ જાડેજાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમા વિગત વાર અરજી આપી ઓપેરા કંપની સામે ફોજદારી કરવા માંગ કરી છે,

જુદી-જુદી પવનચક્કીઓના કારણે અવારનવાર વીજ શોક,જોખમી ખુલ્લા પોલ અને વાયર,ટોટા ફોડવાના ત્રાસ,રસ્તા ન કરવા,પવનચક્કીઓના ત્રાસદાયક અવાજ,ઉપરથી જોહુકમી અને તંત્રનુ અકળકારણોસર મૌન આ દરેક બાબતે ઉચ્ચ કક્ષાની તપાસની તાતી જરૂર છે તેવી પણ જામજોધપુર પંથકમાંથી માંગણી ઉઠી છે.

-અગાઉ મામલો રફેદફે થયેલો..

અહી આ પહેલા પણ મોરના મૃત્યુ વિન્ડફાર્મ કંપનીના પોલ અને વાયરના વીજ શોકથી મોત થયેલા ત્યારે પણ પગલા લેવાની રજુઆત થયેલી પરંતુ મામલો રફેદફે થયેલો અને લોકોમા થઇ રહેલી ચર્ચા મુજબ તંત્ર ખિસ્સામા હોવાની કંપનીવાળા અવારનવાર શેખી મારે છે,માટે કંઇ પગલા નહી લેવાય તેમ પણ જોરશોરથી ગાજતા હોય છે.


-અભયારણ્ય પાસે મંજુરી કોને આપી?

ચુરમા પક્ષી અભયારણ્ય છે,ત્યારે સરકારના કાયદા મુજબ અભયારણ્ય આજુબાજુ ખાણ ખનીજ,વિન્ડ ફાર્મ,કોઇ બાંધકામ કે કોઇ નુકસાન કારક કોઇ પણ પ્રવૃતિ કરવાની મનાઇ હોય છે,ત્યારે આ રેન્જમા તો કોઇ નુકસાનકારક પ્રવૃતિની મનાઇ છતા મંજુરી કોણે આપી અને ઓપેરા વિન્ડફાર્મ કેમ ધમધમતુ થયુ તે તપાસનો વિષય છે અને ખુબ ગંભીર મુદો છે.


-ફોરેસ્ટએ પોસ્ટમોર્ટમ કરાવ્યુ..

ફોરેસ્ટ વિભાગને જાણ થતા આર.એફ.ઓ. એચ.એન.પરમાર તેમજ સ્ટાફના એન.એ.બડીયાવદરા દોડી ગયા હતા,અને મોરના  મૃતદેહ કબજે લઇ પશુ ડોક્ટર પાસે પોસ્ટમોર્ટમ કરાવતા એક નર અને એક માદા એટલે કે મોર અને ઢેલના આ વીજ લાઇનથી શોક લાગતા મોત થયાનો રિપોર્ટ આવ્યો છે,આમ પાવર કંપનીના ખુલ્લા વીજ વાયર અને પોલ જેમા કરંટ આવતા હતા તેને મોરના ભોગ લીધા છે.