નકલી HSRP નંબર પ્લેટોનું સામે આવ્યું કૌભાંડ...

જાણો કેમ ચાલતું હતું..

નકલી HSRP નંબર પ્લેટોનું સામે આવ્યું કૌભાંડ...

Mysamachar.in-અમદાવાદ:

રાજ્યમાં આરટીઓ દ્વારા વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાનો કાયદો જ્યારથી અમલમાં મુકવામાં આવ્યો છે ત્યારથી આ મામલે કોઈક ને કોઈ એવી બાબતો સામે આવતી રહે છે કે જે વિચારતા કરી મુકે છે,એવામાં  અમદાવાદમાંથી ગેરકાયદેસર નંબરપ્લેટ બનાવવાનું એક કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે, આ ઘટનામાં રામોલ પોલીસે 2 આરોપી પાસેથી કુલ 52 નકલી નંબર પ્લેટ પણ કબજે કરી છે, રામોલ પોલીસે બાતમીના આધારે વસ્ત્રાલ ચાર રસ્તા પાસેથી કિરણ નામના વ્યક્તિ સહિત અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેની પાસેથી 52 HSRP નંબરપ્લેટ મળી આવી હતી, જે બાબતે પૂછપરછ કરતાં તે આ નંબર પ્લેટ પેઇન્ટર બી ગજ્જર નામની દુકાનમાં આપે છે. પોલીસે દુકાનમાં જઈ તપાસ કરતા વધુ 10 નંબર પ્લેટ મળી આવી હતી.

પોલીસે આ મામલે મળી આવેલ નંબરપ્લેટો નકલી હોવાની આશંકાએ આરટીઓ ના  અધિકારીને બોલાવી તપાસ કરાવતા અમુક નંબર પ્લેટમાં બ્લ્યુ કલરથી IND લખ્યું ન હતું. વધુમાં એક પણ નંબર પ્લેટમાં આઇડેન્ટિટીફિકેશન કોડ ના હોવા ઉપરાંત પાછળના ભાગે બારકોડ સ્ટિકર પણ નથી. જેથી પોલીસે કિરણ  અને દુકાન માલિક ભીખાભાઇ ગજ્જરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. રાજ્યના વાહનવ્યવહાર વિભાગના આદેશ મુજબ આગામી 31 ઓગસ્ટ સુધીમાં તમામ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવી દેવી ફરજિયાત છે. જેનો ફાયદો ઉઠાવી કેટલાક ઇસમો પૈસા કમાવવા આ રીતે  નકલી HSRP નંબર પ્લેટ વાહનોમાં લગાવી દેતા હોવાનું સામે આવતા અન્ય જીલ્લાઓમા આ બાબત તપાસ માંગી લેતી છે.