Mysamachar.in-રાજકોટઃ
રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરના ભત્રીજા વિરુદ્ધ તલવારથી હુમલો કરી મુંઢ માર મારવા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. રાતે 10 વાગ્યાની આસપાસ બનેલી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે નવલનગર-19માં રહેતા અને કાર રિપેરિંગની ગેરેજ માલિક મયુરધ્વજસિંહ બારડ પર તેમના ઘર નજીક કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંકના ભત્રીજા સાગરે તલવારથી હુમલો કર્યો હતો. આડેધડ તલવારના ઘા મારતા મયુરધ્વજસિંહને ઇજા પહોંચી હતી, બાદમાં તેઓએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં મયુરધ્વજસિંહે જણાવ્યું કે બે વર્ષ પહેલા કોર્પોરેટર વિજય વાંક પોતાની માઇક્રા કારનું બોડી કામ કરાવવા આવ્યા હતા, આ કામના 11 હજાર રૂપિયા થયા હતા, જે તેઓએ પછી આપી દઇશ તેમ કહી જતા રહ્યાં હતા. બાદમાં અનેક વખત તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો પરંતુ તેઓએ પૈસા આપ્યા ન હતા. આ બાબતે અમારી બંને વચ્ચે તકરાર થઇ હતી પરંતુ બાદમાં સમાધાન પણ થઇ ગયું હતું. જો કે ગુરુવારની રાતે 10:30 વાગ્યાની આસપાસ તેમનો ભત્રીજો સાગર તલવાર લઇને આવી અચાનક હુમલો કર્યો હતો. સાગરે તલવારના ઉંધા ઘા માર્યા અને મુંઢ માર માર્યો હતો આ દરમિયાન અન્ય લોકો આવી જતા સાગર ભાગી ગયો હતો. જો કે જતા જતા સાગરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મયુરધ્વજસિંહની ફરિયાદના આધારે પોલીસે આઇપીસી 323, 504, 506 (2), જીપી એક્ટ 135 (2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.