એક દિવસીય સત્ર ઉગ્ર બન્યું, વિપક્ષના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા

અનેક મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ

એક દિવસીય સત્ર ઉગ્ર બન્યું, વિપક્ષના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

વિધાનસભામાં એક દિવસીય સ્પેશિયલ સત્ર બોલાવવામાં આવ્યું હતું, જો કે સત્ર શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ગૃહની કામગીરી ખોરવાઇ હતી. આ વખતે પહેલીવાર રાજ્યના રાજ્યપાલ વિધાનસભામાં સંબોધન કરવાના હતા પરંતુ કોંગ્રેસના હોબાળાના કારણે રાજ્યપાલ ટૂંકું સંબોધન કરી વિધાનસભા છોડી જતાં રહ્યાં હતા. બીજી બાજુ હોબાળાને કારણે વિધાનસભા સત્રને 15 મિનિટ સુધી મૂલતવી રાખવાની ફરજ પડી હતી. એક દિવસીય સત્રમાં રૂપાણી સરકાર કેન્દ્રએ પારિત કરેલા CAAના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવવાની હતી. આ સિવાય અન્ય કેટલાક મુદ્દે ચર્ચા થવાની હતી પરંતુ NSUI અને AVBPના કાર્યકરો વચ્ચે લોહીયાળ અથડામણ સહિતના અનેક મુદ્દે કોંગ્રેસ ગૃહમાં ઉગ્ર બની હોબાળો મચાવ્યો હતો.

એક દિવસીય સત્ર શરૂ થયાની સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો અને બેનરો લઇને વેલમાં ધસી આવ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાતમાં બાળકોનાં મોત, ભરતીઓમાં કૌભાંડ,  NSUI અને AVBPના કાર્યકરો વચ્ચે લોહીયાળ અથડામણ, મંદી, આર્થિક કટોકટી વગેરે મામલે ભારે હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ સત્રમાં રાજ્યપાલના ભાષણથી થઇ. વિધાનસભા સત્રમાં SC,ST અનામતની મુદતમાં 10 વર્ષના વધારા પર ચર્ચા કરવાની હતી, વિધાનસભામાં CAA કાયદા મુદ્દે પણ ચર્ચા તથા CAAને લઇ અભિનંદન પ્રસ્તાવ પારિત કરાશે.