ડેઇલી રોકાણની સ્કીમ આપી અનેક લોકો સાથે છેતરપીંડિ, સર્ટિફિકેટ આપ્યા, પૈસા ન આપ્યા

આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

ડેઇલી રોકાણની સ્કીમ આપી અનેક લોકો સાથે છેતરપીંડિ,  સર્ટિફિકેટ આપ્યા, પૈસા ન આપ્યા

Mysamachar.in-જામનગરઃ

ડેઇલી રોકાણ કરી અમુક મુદત બાદ વ્યાજ સાથે પૈસા આપવાની અનેક સ્કીમો ખુલ્લેઆમ ચલાવવામાં આવી રહી છે, પરંતુ આવા કિસ્સામાં છેતરપીંડિ આચરવામાં આવી હોવાની અનેક ફરિયાદો નોંધાઇ ચૂકી છે. ત્યારે આવી જ એક સ્કીમ અંતર્ગત અનેક લોકોએ પૈસા રોક્યા હતા, પરંતુ રકમની મુદત પૂર્ણ થયા બાદ પૈસા પરત ન મળતા આઠ જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જામનગરના ગુલાબનગરમાં રહી ઘરકામ કરી ગુજરાન ચલાવતા અમીનાબેન સુમરાએ ફરિયાદ નોંધાવી છે કે તેઓએ અન્ય કેટલાક લોકો સાથે સ્કાગય લેન્ડ ડેવલોપર્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ ઇન્ડીયા નામની કંપનીમાં ડેઇલી રોકાણ કર્યું હતું. આ રોકાણ સ્કીમની મુદત પૂર્ણ થઇ છતા તેમના પૈસા પાછા આપવામાં આવ્યા નથી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વરણામાં રહેતા મનોજ બુસા, ગુલાબનગરમાં રહેતા હીતેષ વાડોલીયા, દીલીપકુમાર જૈન, રામશંકર યાદવ, દુર્ગાપ્રસાદ યાદવ, આનંદકુમાર ગુપ્તા, સંતોષકુમાર પાંડે અને રાજકુમાર કટીયાલ નામના શખ્સો દ્વારા સ્કાગય લેન્ડ ડેવલોપર્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ ઇન્ડીયા કંપની ચલાવવામાં આવતી હતી,  તેઓએ અમીનાબેન તથા અન્ય કેટલાક લોકો પાસેથી ડેઇલી રોકાણની સ્કીમ અંતર્ગત પૈસા ઉઘરાવ્યા હતા. હવે બચતની રકમની મુદત પુરી થતા સંપૂર્ણ રકમ પરત કરવાની ખાતરી આપી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ આપ્યું હતું. પરંતુ અમીનાબેનના રૂપિયા ચાર લાખ અને અન્ય લોકોના રૂપિયા 1,33,000 પરત આપ્યા નથી. ત્યારે સમગ્ર બાબતે જામનગર સિટી બી ડિવિઝન પોલીસે આઇપીસી કલમ 120બી, 406, 420 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.