વિદ્યાર્થીઓના આંદોલનને લઇને જાણો શું કહ્યું CM રૂપાણીએ

સરકારની પ્રતિક્રિયા

વિદ્યાર્થીઓના આંદોલનને લઇને જાણો શું કહ્યું CM રૂપાણીએ
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઇને આંદોલન ઉગ્ર બની ગયું છે તો પરીક્ષાર્થીઓ લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે. સામા પક્ષે આંદોલન ઉગ્ર બનતા સરકાર જરાય નમતુ ઝોખવા તૈયાર ન હોય તેમ બે દિવસથી ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત લાવવાને બદલે વિદ્યાર્થીઓ સાથે મીટિંગો કરી રહી છે. આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંદોલનને લઇને પ્રતિક્રિયા આપી હતી, સાથે જ ગૃહમંત્રી પ્રદિપસિંહે પણ વાટાઘાટો ચાલું હોવાનું જણાવ્યું હતું. આંદોલન ઉગ્ર બનતા અને પરીક્ષાર્થીઓ ટસના મસ ન થતાં આખરે 24 કલાક બાદ સરકાર મહંદઅંશે ઝુકી હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારથી સરકારના માણસો અને વિદ્યાર્થીઓ વચ્ચે મીટિંગો અને બેઠકોનો દોર ચાલ્યો હતો.

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ બાદ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની લાગણી છે કે, ગૌણ સેવા દ્રારા લેવાયેલી પરીક્ષામાં પેપર લીક થયા છે ગેરરીતિ થઇ છે આ અંગે સરકારનું મન ઘણું ખુલ્લું છે. સંપૂર્ણ તપાસ અને તેના આધારે પગલા લેવા માટે સંમત છે. સરકાર માને છે કે પરીક્ષા આપવા માટે છ લાખથી વધુ લોકોએ જે મહેનત કરી છે તે એળે ન જાય અને જે લોકો ખોટા છે તે લોકો નોકરી ન લઇ જાય. આ બંન્ને બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર સહમત છે. તો પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યમાં ગૌણ પસંદગી સેવા મંડળની પરીક્ષા લેવાઈ હતી. જેમાં 3900થી વધુ જગ્યા પર કારકૂનની ભરતીની પરીક્ષા હતી. જેમાં 6 લાખ કરતા વધુ પરીક્ષાર્થી ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરંતુ પરીક્ષા બાદ ઉમેદવારોએ જે માંગણી કરી છે, તેમની સાથે અમારી વાતચીત ચાલું છે. અમે ઉમેદવારોએ કરેલી ફરિયાદ અંગે ચકાસણી કરીશું અને હાલ તપાસ ચાલું પણ છે. તપાસ પૂર્ણ થયા બાદ ઉમેદવારો અને અમારી શંકા કુશંકાઓ દુર કરીશું.