બહેનના લગ્ન હતા નજીક,ભાઈથી ના થયો પૈસાનો મેળ અને..

પિતાનું પણ થયું છે અવસાન

બહેનના લગ્ન હતા નજીક,ભાઈથી ના થયો પૈસાનો મેળ અને..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-વડોદરા:

હાલમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને અનેક જગ્યાઓ પર શરણાઇઓના સૂર વાગી રહ્યા છે,ત્યારે અમુક પરિવારો એવા પણ હોય છે કે જેને પોતાની બહેન,દીકરીને સાસરે વળાવવી લોઢાંના ચણા ચાવવા જેવુ થઈ જાય છે અને આર્થિક સ્થિતિ અનુકૂળના હોય તો પણ ગમે તેમ નાણાંભીડનો સામનો કરીને પણ જેમ તેમ પ્રસંગને પાર પાડી દે છે,એવામાં વડોદરામાં પોતાની લાડકવાયી બહેનના લગ્નના ખર્ચ માટે મધ્યમ આવક વચ્ચે રૂપિયા એકઠા ના કરી શકનાર ભાઈએ એસિડ પી મોતને મીઠું કરી લીધું છે,

વડોદરાના તરસાલી બાયપાસ રોડ નજીક રહેતો 23 વર્ષીય ભાવેશ પરમાર નામનો યુવાન કડિયાકામ કરતો હતો.અને તેના પિતાનું બે વર્ષ પહેલા જ અવસાન થયું હતું. માતા અને નાની બહેન સાથે રહેતા ભાવેશની આવક ખુબ જ મર્યાદિત હતી. દરમિયાનમાં તેની નાની બહેનના લગ્ન 31 મેના દિવસે લેવાયા હતા.

લગ્નના ખર્ચને પહોંચી વળી શકાય તેટલા પૈસા તેનાથી ભેગા થયા ના હતા. અને તે  હતાશ થઇને ફરતો હતો. દરમિયાનમાં ગત.6 ના રોજ સાંજે પોતાના ઘરે જ એસીડ પી જતાં તબિયત લથડી હતી. તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે,ત્યારે આ પરિવાર પર ભારે કરુણાંતિકા સર્જાઈ છે.