Mysamachar.in-જામનગર
જામનગરના બહારના વિસ્તારોમા અનેક નાના-મોટા મકાનો અને બંગલાની ટાઉનશીપો ઉભી કરવામાં બિલ્ડરો દ્વારા જાણે હોડ લાગી છે. અને ગ્રાહકોને યેન-કેન પ્રકારે ખેંચવાની ઉતાવળમાં કાયદાની જોગવાઇઓને નેવે મુકવામાં આવતા હોવાનું આધારભૂત સુર્ત્રો દ્વારા જાણવા મળે છે, જામનગર શહેરમાં અને શહેરની આસપાસ ઘણાં સમયથી નાના મકાનોની વસાહતોના નિર્માણ માટે નાના-મોટા બિલ્ડરોમાં હોડ જામી છે પરંતુ મંદીમાં બુકિંગ મેળવી લેવા સુવિધાઓની આંબા આંબલી બતાવવામાં આવી રહી છે એટલુ જ નહીં પરંતુ આવી વસાહતોનું નિર્માણકાર્ય શરૂ કરતા પહેલા અનુસરવાની થતી સરકારી કાયદાની જોગવાઇઓનું પાલન કરાતું ન હોવાની જાણકારોમા ફરિયાદ ઉઠી છે.
આ ક્ષેત્રના નિષ્ણાંત સમીક્ષકોના જણાવ્યા મુજબ કાયદાની છટકબારી શોધી કાઢીને રેરાની જોગવાઇનો અમલ કરવામાં આવતો નથી. કેટલાક ચોક્કસ પ્રોજેકટમાં રેરા હેઠળ રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું નથી. રેરા મારફત બાંધકામનો પ્લાન એપ્રુવ કરાવ્યા વગર મનઘડત રીતે મકાનોના બાંધકામની ડિઝાઇન તૈયાર કરી ભપકાદાર બ્રોસર બનાવાય છે અને તે રીતે ઘરનું ઘર સસ્તામાં વેચતા હોવાના દાવા સાથે ગ્રાહકોને અયોગ્ય ફોર્મેટવાળા મકાનો વેચી અને એક પ્રકારે છેતરપીંડી અમુક બિલ્ડરો દ્વારા કરવામાં આવી રહી છે. (હા બધા આવા નથી અમુક નિયમોની અમલવારી પણ કરે છે)
નવાઇની વાત તો એ છે કે, રેરાને ટાટા કરીને ઉભી કરાતી રહેણાંક વસાહતોના બાંધકામો બેરોકટોક ચાલે તે માટે અમુક અમલદારો અને રાજકીય આગેવાનો પણ આવા લેભાગુ બિલ્ડરોની ઢાલ બને છે જેને લીધે તેની સામે કોઇ કાર્યવાહી કરાતી નથી, અમુક બિલ્ડર દ્વારા તો જે તે પ્રોજેકટ માટે ઉપયોગમાં લેવાતી જમીનોની બિનખેતી પણ પહેલા કરાવવામાં આવી નથી તેમ ચોંકાવનારૂ તારણ ચર્ચાય છે અને આઠ થી વધુ ટેનામેન્ટ કે ફ્લેટ બનાવવા ‘રેરા’ હેઠળ મંજુરી લેવી ફરજીયાત હોવા છતા ઉલાળીયા (અ) નિતિ અખત્યાર કરી બધુજ “સુચિત” ચલાવી જાહેર કર્યા મુજબની તમામ સુવિધા વગરના માત્ર વેંચવાના આશય વાળા ફુટી નીકળ્યાનુ પણ ચર્ચાય છે.
-વળી ગ્રાહકોનું બુકિંગ મળે તો તેની સુથીના મળેલા પૈસામાંથી બિનખેતી કરાવવામાં આવે છે તે વળી કેવી છુટછાટ?
આમ જામનગરમાં અમુક લેભાગુ બિલ્ડરો દ્વારા જમીન બિનખેતી કરાવ્યા વગર, રેરાનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર પ્રોજેકટ શરૂ કરી બુકિંગ શરૂ કરીને ગ્રાહકોને ભરમાવી શીશામાં ઉતારવામાં આવી રહ્યા છે તેમ જાણકારોમાં ચર્ચા છે, જો કે આ સમગ્ર મામલો તપાસ માંગી લેતો છે અને યોગ્ય તપાસ થાય તો આવા કેટલાય કિસ્સાઓ સામે આવી શકે તેમ છે.