નકલી આયુષ્માન કાર્ડ કૌભાંડ, એક જ પરિવારના નામે 1700 કાર્ડ !

9 ઓપરેટરોને છૂટા કરી દેવાયા

નકલી આયુષ્માન કાર્ડ કૌભાંડ, એક જ પરિવારના નામે 1700 કાર્ડ !
ફાઇલ તસવીર

Mysamachar.in-રાજકોટઃ

રાજકોટ જિલ્લામાં પકડાયેલા નકલી આયુષ્માન કાર્ડમાં એક પછી એક રોચક ઘટસ્ફોટ થઇ રહ્યાં છે. હવે રાજકોટ જિલ્લામાં 9000 જેટલા નકલી આયુષ્માન કાર્ડ કાઢી સરકાર તેમજ સાચા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા જ ગુજરાતમાં એક જ પરિવારના નામે 1700 જેટલા કાર્ડ નીકળ્યાનું બહાર આવતા ભારે ચર્ચા જાગી હતી, હવે આ કૌભાંડની તપાસનો છેડો રાજકોટ પહોંચ્યો છે, રાજકોટ જિલ્લામાંથી 9000 નકલી આયુષ્માન કાર્ડ નીકળ્યા હોવાનું ખુલ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર એક જ HHIDનો ઉપયોગ કરી એક પરિવારમાં 250થી 300 લોકોને ઉમેરી નવા કાર્ડ કઢાવ્યા હતા. આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે કલેક્ટરના આદેશથી 9 ઓપરેટરને છૂટા કરી દેવાયા છે.

કેવી રીતે આચર્યું કૌભાંડ અને કોને સૌથી વધુ નુકશાન ?

કોમ્પ્યુટરાઇઝ કૌભાંડ હોવાને કારણે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં હવે સાયબર સેલની મદદ લેવાની તૈયારીઓ ચાલી રહી છે. આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ માટે 2011ના સામાજિક અને આર્થિક સરવેને આધાર બનાવ્યો છે. આ સરવેમાં જે પરિવાર પછાત તરીકે નોંધાયા હતા તે તમામને નંબર અપાયો હતો જેને HHID કહેવાય છે. આ નંબર ધરાવનારનું જ આયુષ્માન કાર્ડ નીકળતું હતું. કાર્ડ કાઢનાર ઓપરેટર પાસે મોટા પ્રમાણમાં આ નંબર રહેતા હતા. જેમના કાર્ડ નીકળી ગયા હતા તેમના નંબરનો ફરી ઉપયોગ કરી પરિવારના સભ્ય ઉમેરવાનો ઓપ્શન સિલેક્ટ કરી ભળતી અટકવાળા લોકોને ઘૂસાડી દેવાતા અને નવું કાર્ડ પણ કાઢી અપાતું હતું. સાચા લાભાર્થીઓને ખબર જ હોય કે તેમના પરિવારમાં સરકારી ચોપડે 250 સભ્યો બોલે છે. એક HHID પરથી જેટલા પણ લાભાર્થી નોંધાય કે કાર્ડ નીકળે તે પરિવાર માટે વર્ષ દીઠ મહત્તમ 5 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે. પરિવારના નકલી સભ્ય તરીકે ઘૂસી જો કોઇ લોકો આ 5 લાખની સારવાર કરાવી લે તો મૂળ અને સાચા લાભાર્થી છે તેમના પરિવારમાં કોઈને હોસ્પિટલની જરૂર પડે તો લાભ મળે જ નહીં.