વર્ગ-4ના કર્મચારી પાસેથી મળી ઓડી, મર્સિડીઝ સહિતની કરોડોનો બેનામી સંપત્તિ

ACBને મોટી સફળતા

વર્ગ-4ના કર્મચારી પાસેથી મળી ઓડી, મર્સિડીઝ સહિતની કરોડોનો બેનામી સંપત્તિ
ફાઇલ તસવીર

Mysamachar.in-જૂનાગઢઃ

જૂનાગઢમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે ACB દ્વારા અપ્રમાણસર મિલકતો શોધી કાઢવાની મોટા પાયે કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ACBને એક એવો કર્મચારી હાથ લાગ્યો જેનો પગાર ઓછો છે પરંતુ તેની પાસેથી કરોડો રૂપિયાની બેનામી મિલકતો મળી આવી. બાતમીના આધારે ACBએ વેરાવળમાં રહેતા અને પોરબંદરમાં પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક આસિટન્સ તરીકે ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારી ભરત સાજણ ગરચરના ઘરે દરોડા પાડ્યા હતા, આ દરમિયાન બહાર આવ્યું કે ભરતે ગેરકાયદેસર રીતે જમીનો, મિલકતો, લક્ઝરી કાર અને સોનાના ઘરેણા પોતાના પરિવારના નામે ખરીદ્યા છે.

અંદાજે પાંચ મહિના સુધી તપાસમાં બહાર આવ્યું કે ભરત ગરચર કે જે વેરાવળમાં રહે છે તેણે પોરબંદરમાં PGVCLમાં વર્ગ ચારની નોકરી દરમિયાન 1,03,22,597 રૂપિયાનું રોકાણ/ખર્ચ કર્યા છે. તપાસમાં બહાર આવ્યું કે ભરત પાસે લક્ઝરી કાર્સનો ઢગલો છે, જેમાં ઓડિ, ફોર્ચ્યુનર, એન્ડેવર, ઇનોવા તેમજ મર્સિડીઝ કાર પોતાના નામે વસાવી છે. આ સિવાય જૂનાગઢ અને વેરાવળમાં તેના નામ અનેક સ્થાવર મિલકતો અને સોનાના ઘરેણા વસાવ્યા છે. ભરતે તેના સંબંધીઓના નામે બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાની લેતી-દેતીના વ્યવહારો કર્યાનું પણ બહાર આવ્યું છે. ACBએ ભરત સામે ગુનો દાખલ કરી જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઇના ધ્યાનમાં ભરતની કોઇ મિલકતની માહિતી મળે તો ACBનો સંપર્ક કરવો.