લીલી પરિક્રમા બનશે પાણી વગર સૂકી પરિક્રમા?જાણો કેવી છે તંત્રની તૈયારીઓ 

36 કિમીના રૂટ ઉપર માત્ર 20 જ સ્થળે પીવાનાં પાણીની વ્યવસ્થા

લીલી પરિક્રમા બનશે પાણી વગર સૂકી પરિક્રમા?જાણો કેવી છે તંત્રની તૈયારીઓ 

mysamachar.in-જુનાગઢ:ભાર્ગવી જોશી

આગામી 19 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે.36 કિમી લાંબી આ પરિક્રમા અતિ કઠીન માનવામાં આવે છે,યાત્રાળુઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.રવિવારે પરીક્રમા રૂટનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.વનવિભાગે રૂટનું રીપેરીંગ કામ કર્યું છે.રસ્તા રીપેર થઈ ગયા છે.પરંતુ ગીરનારમાં ચોમાસામાં 39 ઈંચ વરસાદ પડવા છતાં જંગલ પાણી વિનાનું છે...!

પરીક્રમા રૂટમાં આવેલા 20 થી વધુ પાણીના કુદરતી સ્ત્રોત ખાલી છે.તેમાં એક ટીપું પણ પાણી નથી.વનવિભાગ દ્વારા કુદરતી સ્ત્રોતમાંથીકાંપ કાઢ્યો નથી.જેના કારણે પાણીનાં સ્ત્રોત ખાલી થઈ ગયા છે.ચાલુ વર્ષે પાણી વિના ગીરનારની લીલી પરીક્રમા કરવાનો સમય આવ્યો છે. 36 કિલોમીટરનાં રૂટ પર માત્ર 20 સ્થળે જ પીવાનું પાણી મળી રહેશે. ન્હાવા અને હાથ પગ ધોવાનું પાણી મળશે નહી.પાણી વિના ગીરનારની લીલી પરીક્રમા વધુ કઠીન બની રહેશે.તેવું હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે,

પરિક્રમ દરમિયાન ઉપરાંત વન વિભાગની 20 ટીમ કાર્યરત રહેશે વનવિભાગ દ્વારા ટ્રેકર ટીમ સાથે પરિક્રમામાં આવનાર મુસાફરોને સાચવવા માટે અને તેમને યોગ્ય માર્ગદર્શન કે કોઈ પણ અનિચ્છનીય ઘટનાની તૈયારીના ભાગરૂપે 150 લોકોનો સ્ટાફ કાર્યરત રહેશે. જેમાં મજુરો,કર્મચારીઓ,અધિકારીઓ વગેરે સામેલ રહેશે.

તો આરોગ્ય વિભાગ દ્વારા પણ પરીક્રમાના રૂટ પર 8 પોઈન્ટ પર જિલ્લા પંચાયત દ્વારા આરોગ્યના કેમ્પ ઉભા કરવામાં આવશે.જેની પાછળ આરોગ્ય વિભાગના 60 જેટલા કર્મચારીઓ કાર્યરત રહેશે.આ 8 કેમ્પોમાં પ્રાથમિક સારવારથી લઈ બધા પ્રકારની દવાઓ અને 108 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે.આ સાથે મુશ્કેલ ચઢાણ વાળી જગ્યાઓ માટે ઓક્સિજનની સુવિધા પણ રાખવામાં આવશે.આમ આ વખતની લીલી  પરિક્રમા ને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે,અને તમામ રીતે તંત્ર સુસજ્જ હોવાના દાવાઓ કરાઈ રહ્યા છે.

કેવી છે પાણીની સ્થિતિ..? 
ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્વારા પરીક્રમા 36 કિમી રૂટમાં 18 થી વધુ જગ્યાઓ પર સબ મર્સિબલ પંપ ફિટ કરવામાં આવશે,આ સાથે પાણીની જરૂરીયાત પુરી કરવા માટે દરેક પોઈન્ટ ઉપર 5000 લીટરની પાણીની ટાંકીઓ મુકવામાં આવી છે.જેને સમયાંતરે ખાલી થતા બોરમાંથી ભરવામાં આવશે. કુદરતી સ્ત્રોત વહેતુ પાણી હોવાથી એક સાથે 1000 લોકોને સાચવી શકાય છે.પરંતુ કૃત્રિમ પાણીને લઈ પડાપડીના દ્રશ્યો સર્જાઈ શકે તેમ છે.

100 થી વધુ ઉતારા-અન્નક્ષેત્રો ધમધમશે  
પરીક્રમાના રૂટમાં રાજકોટ,સુરત,અમદાવાદ,વડોદરા જેવા મેટ્રો સીટીમાંથી પણ સેવા ભાવી સંસ્થાઓ ઉતારા અને અન્નક્ષેત્રોની સેવા આપવા આવી ગયા છે.લોકોને શીરો,શાક,રોટલી,ગાઠીયા,બુંદી જેવા સ્વાદિષ્ટ ભોજન પીરસીને રોજ એક એક અન્નક્ષેત્ર હજારો લોકોને જમાડશે.

4 થી વધુ ટ્રેકર ટીમ વન્યપ્રાણીઓને રૂટથી દુર રાખશે
પરીક્રમાના દરમિયાન વન્યપ્રાણીઓ કે સિંહ રૂટ પર ન આવી જાય અને લોકોમાં નાસભાગ કે ભયનો માહોલ ન ફેલાય તે માટે વનતંત્ર દ્વારા 4 થી વધુ ટ્રેકર ટીમને તૈનાત કરવામાં આવી છે. આ ટીમ પરીક્રમા દરમિયાન વન્યપ્રાણીઓને દુર ખસેડવાનું કામ કરશે.

પ્લાસ્ટિક કચરો ન ફેલાવવા 500 બોર્ડ લગાવાયા 
જંગલમાં પરિક્રમામાં  લોકો હજારો ટન કચરો પણ સાથે લાવશે. આ કચરામાં મોટેભાગે પ્લાસ્ટિકનો કચરો હશે. જે વન્યપ્રાણીઓ માટે ઘાતક નીવડી શકે છે. ત્યારે આ વખતે વનતંત્ર દ્વારા લોકોને કચરો ન ફેલાવવાનું આહ્વાન આપતા 500 થી વધુ નાના મોટા બોર્ડ લગાવવામાં આવ્યા છે.

ક્યાંથી શરૂ થશે અને ક્યાં પુરી થશે પરિક્રમા ?

 1 રૂપાયતન થી ઈટવા ઘોડી - 2 કીમી 
 2 ઈટવા ઘોડી થી ચાર ચોક - 4 કીમી
 3 ચાર ચોક થી જીણાબાવાની મઢી - 2.50 કીમી 
 4 મઢીથી માળવેલા ઘોડી - 3.50 કીમી
 5 માળવેલા ઘોડીથી માળવેલા જગ્યા - 2.50 કીમી 
 6 મઢી થી સરખડીયા હનુમાન ઘોડી - 2.50 કીમી 
 7 સરખડીયા ઘોડી થી સરખડીયા જગ્યા - 2 કીમી 
 8 સરખડીયા જગ્યા થી સુખનાળા - 1.50 કીમી 
 9 સુખનાળા થી મા ‌ળવેલા - 2 કીમી 
 10 માળવેલા થી નળપાણી ઘોડી - 2 કીમી 
 11 નળપાણી ઘોડી થી નળપાણી ની જગ્યા - 1.50 કીમી
 12 નળપાણી જગ્યા થી હેમાજડીયા - 1.50 કીમી
 13 હેમાજડીયા થી બોરદેવી - 1 કીમી 
 14 બોરદેવી થી ખોડીયાર ઘોડી - 4 કીમી 
 15 ખોડીયાર ઘોડી થી ભવનાથ ગેટ - 3.50 કીમી